મુંબઈ અને નાગપુરમાં બોમ્બની ધમકી, કોર્ટ કાર્યવાહી એક કલાક ઠર્પે
તમામ કોર્ટ સંકુલો ખાલી કરાવી વ્યાપક સર્ચ ઓપરેશન પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળીઃ ઈમેઈલ મોકલનારની શોધખોળ
સેશન્સ કોર્ટ, મઝગાંવ અને એસ્પ્લેનેડ કોર્ટ, બાંદરા તથા અંધેરીની કોર્ટ, બે અગ્રણી બેન્કોને પણ બોમ્બની ધમકી
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટ, કેટલીક સ્થાનિક અદાલતો અને દક્ષિણ મુંબઈની અગ્રણી બેંકોને ગુરુવારે ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.જેના લીધે ઘરાટ ફેલાઈ ગયો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.આ તમામ જગ્યાએ તપાસ કરતા બામ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.આ ધમકીઓ પોકળ અફવા પુરવાર થઈ હતી.પોલીસે ઈમેલ મોકલનારને પકડવા વધુ તપાસ આદરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
નાગપુરની એક કોર્ટને પણ આવી જ બોમ્બ ધમકીનો ઈમેલ મળ્યો હતો.તે પણ ફેક હોવાનું માલુમ પડયું હતું.
સવારે બોમ્બે હાઈકોર્ટ, દક્ષિણ મુંબઈમાં સેશન્સ કોર્ટ, મઝગાંવ અને એસ્પ્લેનેડ કોર્ટ, બાંદ્રા અને અંધેરીમાં એક-એક મેજિસ્ટ્રેટ કોર્ટ, બે અગ્રણી બેંકોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલ મળ્યા હતા. આમાંના મોટાભાગના સ્થળોએ તાત્કાલિક જગ્યા ખાલી કરાવી દેવામાં આવી હતી. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને બોલાવવામાં આવી હતી, પરંતુ તપાસમાં ક્યાંય કંઈ શંકાસ્પદ મળ્યું નથી,એમ એક વરિ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
બોમ્બે હાઈકોર્ટના બે બાર એસોસિએશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાના કારણોસર હાઈકોર્ટના કર્મચારીઓને તાત્કાલિક સર્ચ ઓપરેશન માટે પરિસરની બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. ધમકીઓ અને સર્ચ ઓપરેશનને કારણે નિયમિત કોર્ટ કાર્યવાહી લગભગ એક કલાક સુધી ખોરવાઈ ગઈ હતી. બધા કોર્ટરૃમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને બપોરે ત્રણ વાગ્યે સુનાવણી શરૃ થઈ હતી,એમ બોમ્બે બાર એસોસિએશનના પ્રમુખ નીતિન ઠક્કરે જણાવ્યું હતું.
અંધેરીની ઘટના વિશે બોલતા એડવોકેટ અલી કાશિફ ખાને કહ્યું કે તેઓ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી માટે આવ્યા હતા.પરંતુ મેજિસ્ટ્રેટે અચાનક કોઈ કારણ જણાવ્યા વિના બધા કેસોમાં કેસ મુલતવી રાખવાનું શરૃ કરી દીધું હતું.
અમે નીચે આવ્યા ત્યારે બધી ગાડીઓને કોર્ટ પરિસરની બહાર ખસેડવાનું કહેવામાં આવ્યું હતું.પછી અમને કોર્ટ પોલીસ અધિકારીઓ પાસેથી ખબર પડી કે બોમ્બ સ્ક્વોડ તપાસ કરવા આવી રહી છે,એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
નિર્મલ નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટને સવારે તેના સત્તાવાર ઈમેલ આઈડી પર બોમ્બની ધમકીનો મેલ મળ્યો હતો.આની જાણ થયા પછી પોલીસ,બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ અને અન્ય સુરક્ષા કર્મચારીઓ કોર્ટમાં દોડી ગયા અને પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. જોકે નિરીક્ષણ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
નાગપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને બિલ્ડિંગની અંદર બોમ્બ હોવાનો દાવો કરતો એક ઈમેલ મળ્યોહતો. જેના કારણે પોલીસે પરિસરમાં તપાસ શરૃ કરી હતી.
ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ રોશન બાગડેએ જણાવ્યું હતું કે સવારે કોર્ટના ઈમેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો હતો.એમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી ઈમારતમાં ટૂંક સમયમાં આરડીએક્સ આધારિત બે એક્સપ્લોઝિવ ડીવાઈસનો બ્લાસ્ટ થશે.
ત્યારબાદ જિલ્લા કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી, અને બીડીડીએસ કર્મચારીઓએ પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. જોકે સર્ચ ઓપરેશનમાં વિસ્ફોટક મળ્યા નહોતા,એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું.
ઈમેઈલ ઈઝરાયેલનાં આઈપી એડ્રેસ પર ટ્રેસ થયોઃ આઈડી નકલી
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ,બપોરે બે વાગ્યે આરડીએક્સ વિસ્ફોટની ચેતવણી આપતા અનેક ઇમેઇલ્સ એક જ વપરાશકર્તા દ્વારા નકલી એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા હતા અને તેનું આઈપી એડ્રેસ ઇઝરાયલનું હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેની ચકાસણી હજુ પણ ચાલી રહી છે.
અત્યાર સુધી હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બોમ્બની ધમકી નકલી ઈમેલ એડ્રેસ બનાવીને આપવામાં આવી હતી. તે બધા ઈમેલ એક જ એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા હતા, જેમાં મોકલનારએ દાવો કર્યો હતો કે બપોરે બે વાગ્યે આરડીએક્સ વિસ્ફોટ થશે,એમ અધિકારીએ કહ્યું હતું.
તપાસમાં ઈમેલનું આઈપી એડ્રેસ ઈઝરાયલમાં હોવાનું માલુમ પડયું હતું. પરંતુ તે નકલી એકાઉન્ટ હોવાથી, પોલીસ મોકલનારનું ચોક્કસ સ્થાન જાણવાનો પ્રયાસ કરી રહી છે અને તે વ્યક્તિની શોધ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બોમ્બ ધમકીના સંદર્ભમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.


