મુંબઇ-અમદાવાદ ફલાઇટ અને એરપોર્ટને બોમ્બની ધમકી
પોલીસ પર બોમ્બની પોકળ ધમકીઓનો બોમ્બાર્ડિંગ
મુંબઈ - મુંબઇ-અમદાવાદ ફલાઇટમાં બોમ્બ હોવાની અને મહાનગરમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીના કોલના સંદર્ભમાં નવી મુંબઇ પોલીસે એફઆઇઆર નોંધી છે. પોલીસે ધમકી ભર્યા ફોન કરનારને પકડવા વધુ તપાસ આદરી હતી.
નવી મુંબઇ પોલીસે એફઆઇઆર નોંધી ઃ સર્ચ ઓપરેશનમાં કંઇપણ શંકાસ્પદ ન મળ્યું
સીબીડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી મુંબઇના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસની ઓફિસમાં બુધવારે બપોરે ૨.૦૦ થી ૨.૩૦ વાગ્યાની વચ્ચે ફોન આવ્યા હતા.
ફોન કરનારાઓએ કહ્યું હતું કે મુંબઇ-અમદાવાદ ફલાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. બીજા એક કોલમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સાંજે ૬.૩૦ વાગ્યે ઉડાવી દેવામાં આવશે. આ ધમકીને પગલે સિક્યુરિટી એજન્સીઓ એલર્ટ બની ગઇ હતી.
વિમાન અને એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ સંપૂર્ણ તપાસમાં કંઇપણ શંકાસ્પદ મળ્યું નહોતું. આમ ફોન પર મળેલી ધમકીઓ અફવા પુરવાર થઇ હતી. આ મામલામાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.
આ કોલનો હેતું જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનો અને લોકોના મનમાં ભય પેદા કરવાનો હતો. એમ અધિકારીએ માહિતી આપી હતી. મોબાઇલ ફોન નંબરોના આધારે આરોપીની માહિતી મેળવવામાં આવી છે. અને વધુ તપાસ ચાલી રહી છે.
અગાઉ પણ મુંબઇ એરપોર્ટ અને વિમાનમાં બોમ્બ હોવાના અનેક ફોન કરવામાં આવ્યા છે. મોટાભાગના કૉલ તપાસ દરમિયાન અફવા હોવાનું માલૂમ પડે છે.