મુંબઇથી દિલ્હી જતી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બની ધમકી
કેબિન ક્રૂને વોશરૃમમાં 'બોેમ્બ્' લખેલી ચીઠી મળી
દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી તપાસ કરવામાં આવતા ધમકી ખોટી પુરવાર થઇ
મુંબઇ - મુંબઇથી દિલ્હી જતી ઇન્ડિગોની ફલાઇટમાં આજે સવારે બોમ્બ હોવાની ધમકી મળતા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઇજીઆઇ) એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ડિગોની ફલાઇટને અલગ જગ્યાએ ઉભી રાખી વ્યાપક સુરક્ષા તપાસ કરવામાં આવી હતી પરંતુ ક ાંઇ વાંધાજનક મળી આવ્યું નહોતું. અને બોમ્બની ધમકી ખોટી હોવાનું પુરવાર થયું હતું.
આ બાબતે વધુ વિગત મુજબ ઇન્ડિગોની ફલાઇટ ૬ઇ ૭૬૨ આજે સવારે મુંબઇથી દિલ્હી જવા ઉપડી હતી. ફલાઇટમાં આશરે ૨૦૦ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટેકઓફ થયાના થોડા સમય પછી કેબિન ક્રૂના એક સભ્યને વોશરૃમની અંદર હાથેથી 'બોમ્બ' લખેલી એક ચીઠી મળી આવી હતી. કેબિન ક્રૂએ તરત જ આ વાતની જાણ પાયલોટને કરી હતી. ત્યાર બાદ આ બાબતની જાણ એર ટ્રાફિક કંટ્રોલને કરવામાં આવતા માનક સલામતી પ્રક્રિયાઓને અનુસરીને દિલ્હી એરપોર્ટ સત્તાવાળાઓએ કટોકટી જાહેર કરી ફલાઇટના આગમન માટેની તૈયારીઓ કરી હતી.
ઉતરાણ વખતે વિમાનને અન્ય વિમાનોથી અલગ દૂર ઉભું રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડિસ્ટ્રયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી સહિતની સુરક્ષા એજન્સીઓએ વિમાન, સામાન અને તમામ મુસાફરોના અંગત સામાનની વ્યાપક તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી સાવચેતીના પગલારૃપે વધારાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘણા કલાકો સુધી ઝીણવટભરી તપાસ કર્યા પછી અધિકારીઓને કોઇ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતું તેથી બોમ્બની ધમકી ખોટી હોવાનું પૂરવાર થયું હતું.
ઇન્ડિગોએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ ંહતું કે તેમણે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને વિલંબ દરમિયાન મુસાફરોને થતી અસુવિધાઓ ઘટાડવાનું કામ કર્યું હતું.
તાજેતરના સમયમાં ભારતની એરલાઇન્સ કંપનીઓને ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી ભર્યા સંદેશાઓ મળવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે મોટાભાગની ધમકી ખોટી હોવાની પુષ્ટિ મળે છે. જોકે મુસાફરોની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપી આવી પરિસ્થિતિઓમાં કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જરૃરી હોય છે તેવું એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના બાદ દિલ્હી એરપોર્ટ પર ક્લિયરન્સ બાદ સામાન્ય અને રાબેતા મુજબની કામગીરી શરૃ થઇ હતી. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે આ ધમકીભર્યા પત્રના સ્ત્રોતની તપાસ શરૃ કરી હતી.