મુંબઇ એરપોર્ટ, સીએસએમટી પર બોમ્બ વિસ્ફોટની ધમકી ભર્યો કોલ

મુંબઇ પોલીસ અને રેલવે પોલીસ કન્ટ્રોલરૃમને મળેલી ધમકી તપાસમાં અફવા પૂરવાર થઇ
મુંબઇ - છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (સીએસએમટી) પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળી હતી જો કે બંને સ્થળે તપાસ બાદ બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આમ ફોન પર મળેલી ધમકી અફવા પુરવાર થઇ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇ પોલીસના મુખ્ય કન્ટ્રોલ રૃમને ફોન કરીને ધમકી મળી હતી. જો કે તપાસમાં અજાણ્યા આરોપીએ ખોટી માહિતી આપી હોવાનું માલૂમ પડયું હતું. આ સિવાય બીજો એક ફોન પણ આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટમાં વિસ્ફોટ સાંજે ૬.૧૫ વાગ્યે થશે. આર્મી પોલીસ સહિત તમામ સિક્યુરિટી એજન્સી એલર્ટ બની ગઇ હતી. તેમણે એરપોર્ટ પર તપાસ કરી હતી. પરંતુ બોમ્બ મળ્યો નહોતો. આ બંને ફોન એક જ વ્યક્તિએ કર્યા હતા.
પોલીસે અજાણ્યા આરોપી સામે કેસ નોંધી તેને પકડવા વધુ તપાસ આદરી હતી. બીજી તરફ રેલવે પોલીસના કન્ટ્રોલ રૃમને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આફતા કોલ આવ્યો હતો. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ (બીડીડીએસ), પોલીસ, ડોગસ્કવોડ સ્ટેશન પર તપાસ કરતા કંઇ મળ્યું નહોતું.
ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં દેશમાં મોટાભાગના એરપોર્ટ તેમજ વિમાન કંપનીને ધમકીભર્યા મેસેજ અને ફોન કરાયા હતા. ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં એક જ દિવસમાં ૮૫ ધમકી મળી હતી. આ પહેલા ૧૫ દિવસમાં ૭૦થી વધુ ધમકી આપવામાં આવી હતી. પરંતુ તમામ ફોન અને મેસેજ અફવા સાબિત થયા હતા. આમ ધમકીભર્યા કોલ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા છે.









