Get The App

બોલીવૂડના વન એન્ડ ઓન્લી હીમેન ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
બોલીવૂડના વન એન્ડ ઓન્લી હીમેન ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન 1 - image

શોલેના વીરુએ લગભગ એક મહિના સુધી  મોત સામે એલાન  એ જંગ કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા 

 વર્ષની કારકિદી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું - બોલીવૂડમાં સૌથી વધુ હિટ ફિલ્મ આપવાનો અનોખો રેકોર્ડઃ તમામ પેઢીના કલાકારો સાથે કોલબરેશન, 

65 રોમાન્સ, એક્શન,  કોમેડી તમામ જોનરમાં સુપરહિટ ફિલ્મો આપીઃ આયુષ્યના છેલ્લા દાયકામાં પણ સક્રિયઃ છેલ્લી ફિલ્મ ઇક્કિસ આવતા મહિને રજૂ થશે  

મુંબઈ -  બોલીવૂડના એકમાત્ર હી મેન પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે  મુંબઈના જૂહુ ખાતે અવસાન થયું હતું. તેમના નિધનથી દેશવિદેશના લાખો ચાહકા ઊંડા આઘાતમાં સરી પડયા છે. તેમને આ મહિનાની શરુઆતમાં હોસ્પિટલમાં  દાખલ કરાયા હતા. બે સપ્તાહ પહેલાં એક તબક્કે તેમના નિધનની અફવા પણ પ્રસરી હતી. જોકે, પરિવારે રદિયો આપ્યા બાદ બીજા દિવસે તેમને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવાયા હતા. જ્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે વિલે પાર્લેેમાં  તેમનો દેહ પંચમહાભૂૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કાર સમયે પરિવારજનો ઉપરાંત અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, આમિર ખાન, સંજય દત્ત, રણવીર સિંહ, શબાના આઝમી સહિત બોલીવૂડના અનેક કલાકારો તથા ફિલ્મ સર્જકો ઉપસ્થિત રહ્યા હતા. હતું.  બોલીવૂડમાં ૬૫ વર્ષની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન આશરે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરનારા   ધર્મેન્દ્રના નામે સૌથી વધુ હિટ ફિલ્મ આપવાનો રેકોર્ડ પણ બોલે છે. રોમાન્સ, કોમેડી, એક્શન અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે એમ દરેક રોલ અને જોનરમાં તેમણે સફળતાના નવા  માપદંડો સ્થાપિત કર્યા હતા. કમર્શિઅલથી માંડી આર્ટ ફિલ્મોમાં તેમણે એકસરખું કૌશલ્ય દાખવ્યું હતું. 

આ મહિનાની શરુઆતમાં તેમને દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે પછી તા. ૧૦મીએ તેમની તબિયત વધારે વણસી હોવાના અહેવાલ આવ્યા હતા. તા. ૧૧મીએ તો સંખ્યાબંધ ટીવી ચેનલોએ તેમના નિધનની અફવા પણ પ્રસારિત કરી દીધી હતી. તે વખતે હેમા માલિની, ઈશા દેઓલ તથા સની દેઓલે અફવાઓેને રદિયો આપ્યો હતો અને તેમની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. તે પછીના દિવસે પરિવારજનોની ઈચ્છા અનુસાર તેમને જુહૂ ખાતેના તેમના નિવાસસ્થાને લઈ જવાયા હતા. ઘરે જ આઈસીયુ વોર્ડ જેવી સવલતો ઊભી કરવામાં આવી હતી. હજુ થોડા દિવસો પહેલાં તો પરિવારજનોએ એવા સંકેત આપ્યા હતા કે તેમની તબિયત સુધરી રહી છે અને કદાચ આગામી ડિસેમ્બરમાં તેમના જન્મદિવસે ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવશે. જોકે, આજે બપોરે ૧૨ વાગ્યા આસપાસ અચાનક તેમના બંગલા આસપાસ ગતિવિધિ વધી ગઈ હતી. એક  એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી હતી. તે પછી પરિવાર દ્વારા મોડે સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી પરંતુ  બોલીવૂડ વર્તુળોમાં ધર્મેન્દ્ર અંતિમ શ્વાસ લઈ ચૂક્યા હોવાની વાત પ્રસરી ચૂકી હતી અને અચાનક સંખ્યાબંધ બોલીવૂડ સેલિબ્રિટીઓ વિલે પાર્લે ખાતેના સ્મશાનગૃહ ખાતે પહોંચવા લાગી હતી. સાંજે અંતિમ  સંસ્કાર સંપન્ન થયા હતા. 

ધર્મેન્દ્રના  પરિવારજનો મુંબઈમાં રહેતા હતા. પરતં તેમે કેટલાય સમયથી મુંબઈ નજીકના લોનાવાલા ખાતેના ફાર્મ હાઉસને જ પોતાનું સ્થાયી આવાસ બનાવ્યું હતું. જોકે, મુંબઈથી દૂર રહેવા છતાં તેઓ બોલીવૂડથી અલિપ્ત રહ્યા ન હતા. છેક છેલ્લી ઘડી સુધી તેમણે ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું હતું. વાસ્તવમાં તેમની છેલ્લી ફિલ્મ 'ઇક્કિસ' હવે આગામી ડિસેમ્બરમાં રજૂ થવાની છે. 

ધર્મેન્દ્રએ કારકિર્દીની શરુઆત ૧૯૬૦માં 'દિલ ભી તેરા હમ  ભી તેરે'  ફિલ્મથી કરી હતી. તે પછી તેમણે 'આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર અને હકીકત સહિતની ફિલ્મો દ્વારા પોતાનું સ્થાન મજબૂત બનાવ્યુું હતું. 

શોલે ઉપરાંત ધરમવીર, આંખે, જીવન મૃત્યુ, યાદો કી બારાત સહિતની ફિલ્મોએ તેમને સફળતાના શિખરે પહોંચાડી દીધા હતા. ૭૦ના દાયકામાં તેમણ સર્વાધિક હિટ ફિલ્મો આપી હતી.  ૮૦ના દાયકામાં જ્યારે સમગ્ર બોલીવૂડ વિડીયો કેસટના આક્રમણ સામે હાંફી ગયું હતું ત્યારે ધર્મેન્દ્રની હકુમક, એલાન એ જંગ, તહેલકા તથા આગ હી આગ જેવી ફિલ્મો ટિકિટબારી પર ટંકશાળ પાડતી રહી હતી. વાસ્તવમાં ૧૯૭૦થી ૧૯૯૦નાં ૨૦ વર્ષો દરમિયાન તેઓ તેમની કારકિર્દીમાં મહત્તમ સક્રિય રહ્યા હતા અને આ સમયગાળામાં તેમણે કમર્શિલ કે આર્ટ, રોમાન્ટિક કે એક્શન એમ તમામ પ્રકારની  ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લા સાત દાયકાના બોલીવૂડના લગભગ દરેક પેઢીના કલાકાર સાથે તેમણે કોઈને કોઈ પ્રોજેક્ટમાં કોલબરેશન કર્યું હતુું. 

ધર્મેન્દ્રએ ૩૦૦થી વધુ ફિલ્મોમાં લગભગ દરેક પ્રકારના રોલ ભજવ્યા છે. તેમણે રોમાન્ટિક  અને હેન્ડસમ હિરો તરીકે તે જમાનાની યુવતીઓને ઘેલું  લગાડયું હતું. ચુપકે ચુપકે જેવી ફિલ્મ દ્વારા તેમણે કોમેડીમાં પણ પોતાની હથોટી સાબિત કરી હતી. સત્યકામ જેવી ફિલ્મોએ તેમની કારકિર્દીને નવી ઊંચાઈ બક્ષી હતી. 

જિંદગીના છેલ્લાં વર્ષોમાં તેમણે ચરિત્ર ભૂમિકાઓ ભજવવાનું ચાલુુ રાખ્યું હતું. મેટ્રો ઈન દિનો ફિલ્મમાં વયસ્ક સંવેદનશીલ પ્રેમીની ભૂમિકા ભજવીને તેમણે સૌને ચકિત કરી દીધા હતા. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેમનો શબાના આઝમી સાથેનો કિસીંગ સીન ચર્ચાસ્પદ બન્યો હતો. 

 ધર્મેન્દ્રનો જન્મ ૧૯૩૫ની આઠમી ડિસેમ્બરે પંજાબમમાં નસરાલી ગામે થયો હતો. ૧૯ વર્ષની વયે તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં હતાં. તેમના અને પ્રકાશ કૌરના પુત્રો સની દેઓલ અને બોબી  દેઓલ બંને બોલીવૂડના સફળ અભિનેતાઓ છે. ધર્મેન્દ્રએ અભિનેત્રી હેમા માલિની સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. હેમા સાથે તેમને એશા અને આહના બે દીકરીઓ છે. 

ધર્મેેન્દ્ર રાજકારણમાં પણ સક્રિય થયા હતા અને ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન તેઓ બિકાનેર લોકસભા  બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેમણે રાજકારણ છોડી દીધુું હતું.