બેગેજ ક્લિયરન્સ અને ખાસ તો રેડ ચેનલ ખાતે ઉપયોગમાં લેશે
બોડી કેમેરાના ફૂટેજ મહત્વના ડિજિટલ પુરાવા ગણાશે ઃ રેકોર્ડિંગ થતું હોવાની જાણ પેસેન્જરોને કરાશે
મુંબઇ - મુંબઇ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ (એમઆઇસીટી) ખાતે ફરજ પર મૂકાતા અધિકારીઓને બોડી- વોર્ન કેમેરા (બીડબલ્યુસી)નો ઉપયોગ કરવાની સૂચના કસ્ટમ્સ ખાતાએ આપી છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બીડબલ્યુસીનો ઉપયોગ વ્યાપક પ્રમિાણમાં કરવામાં આવે છે.
બેગેજ ક્લિયરન્સ કરનારા અને ખાસ તો રેડ ચેનલ ખાતે ફરજ પર મૂકાયેલા અધિકારીઓ શરીર પર ધારણ કરાતા આ કેમેરાનો ઉપયોગ કરશે.
કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેમેરાના ફૂટેજની ગણના મહત્વના ડિજિટલ પુરાવા તરીકે કરવામાં આવશે. બેગેજ ક્લિયરન્સ વખતે કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હોવાની જાણ ઉતારુઓ તથા અન્ય સંબંધીત વ્યક્તિઓને કરવામાં આવશે. કેમેરાએ ઝડપેલા દ્રશ્યોને આધારે છેવટ કસૂરવાર વ્યક્તિની અટકાયત, સંદેહજનક માલસામાનની જપ્તી તથા કસ્ટમ્સ એકટ કે અન્ય સંબંધીત કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી થઇ શકે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ અધિકારીએ બેગેજ ક્લિયરન્સના મહત્વના દ્રશ્યોનું સ્પષ્ટ અને અવરોધ વગરનું રેકોર્ડિંગ થાય તે રીતે કેમેરા ધારણ કરશે. કેમેરાનો ઉપયોગ ફક્ત અને ફક્ત સત્તાવાર હેતુ માટે કરવામાં આવસે. વ્યક્તિગત કે બિન સત્તાવાર ઉપયોગ પ્રતિબંધિત છે. અન્ય સ્થળો પણ આંતરરાષ્ટ્રીય ઉતારુઓ સાથેની વાતચીત દરમિયાન પણ બીડબલ્યુસી ધારણ કરેલા રાખવાની સલાહ અધિકારીઓને આપવામાં આવી હોવાનું અન્ય એક અધિકારીએ કહ્યું હતું.


