ખરાબ હવામાનના કારણે એલિફન્ટા અને માંડવાની બોટસેવાઓ બંધ

રજામાં ફરવા નીકળેલા ટુરિસ્ટોમાં કચવાટ
શઢવાળી હોડી અને એન્જિનવાળી બોટ બંધ રહેતા અનેક પર્યટકો જંજિરા ફોર્ટ પર પહોંચી ન શક્યા
મુંબઈ - છેલ્લાં બે-ત્રણ દિવસથી પડતા કમોસમી વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાને કારણે દરિયો તોફાની બનતા મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા અને માંડવા (અલીબાગ)ની બોટસેવા બંધ કરવામાં આવતા રવિવારની રજામાં ફરવા નીકળેલા સંખ્યાબંધ ટુરિસ્ટો નારાજ થયા હતા. તેમણે ગેટવે ઓફ ઇન્ડિયાના ગાર્ડનમાં ચક્કર મારીને પાછા ફરવું પડયું હતું.
ગેટવેન ી ફેરીબોટ સેવાની જેમ ભાઉચા ધક્કા (ફેરીવોર્ફ)થી મોરા અને ઉરણની પેસેન્જર બોટસેવા પણ બંધ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે દરિયો તોફાની બનતા માછીમારોને પણ દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.
ગેટવે ઓફ ઇન્ડિયા પર રવિવારે બહારગામથી આવેલા પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. બહારગામથી અને પરદેશથી આવતા ટુરિસ્ટો દરિયાઈ માર્ગે પ્રવાસનો આનંદ માણવાની સાથે જ સેંકડો વર્ષ પુરાણી એલ્ફિન્ટાની ગુફાઓ જોવા માટે મોટરલોન્ચમાં જતા હોય છે. આવી જ રીતે અલીબાગ જવા માટે ગેટવે ઓફ ઇન્ડિયાથી માંડવાની બોટમાં ટુરિસ્ટો પ્રવાસ કરે છે. પરંતુ આ બન્ને ડેસ્ટિનેશનની બોટસેવા બંધ રહેતા પ્રવાસીઓ નારાજ થયા હતા.
બીજી તરફ મુરૃડ-જંજિરા પહોંચેલા ટુરિસ્ટો દરિયાની વચ્ચે આવેલા ઐતિહાસિક જંજિરા ફોર્ટ જોવા જઈ નહોતા શક્યા. કારણ ખરાબ હવામાનને લીધે શઢવાળી હોડીઓ અને એન્જિનવાળી બોટનો વ્યવહાર બંધ રાખવામાં આવતા સહુ પર્યટકોએ કિનારે ઊભા રહીને જંજિરા ફોર્ટના દૂર-દર્શન કરવા પડયા હતા.

