Get The App

ગેટવે ઓફ ઇન્ડિયા અને એલિફન્ટા વચ્ચેની બોટ સેવા પૂર્વવત

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
ગેટવે ઓફ ઇન્ડિયા અને એલિફન્ટા વચ્ચેની બોટ સેવા પૂર્વવત 1 - image


ખરાબ હવામાનને કારણે પાંચ દિવસથી બંધ હતી

ભાઉચા ધક્કા-મોરા, કરંજા-રેવસ, ગેટવે-જેનયીએની સેવા પણ ફરી શરૃ થતા લોકોને રાહત

મુંબઇ -  મુંબઇ અને આસપાસના વિસ્તારમાં મુશળધાર વરસાદ અને સુસવાટા બોલાવતા પવનને કારણે દરિયો તોફાની બનતા છેલ્લા પાંચ દિવસથી બંધ રાખવામાં  આવેલી ગેટ-વે એલિફન્ટા, ભાઉચા ધક્કા (ફેરી વોર્ફ)- મોરા, ગેટવે- જેએનપીએ અને કરંજા-રેવસની ફેરીબોટ સેવા ફરી શરૃ કરવામાં આવી છે.

ખરાબ હવામાનને કારણે પેસેન્જર વોટર ટ્રાન્સપોર્ટ તેમજ માછીમારોની તમામ બોટ મુંબઇ અને આસપાસના કિનારે લાંગરવામાં આવી હતી. એટલું જ નહીં તણાઇ ન જાય માટે દોરડાથી બાંધવામાં આવી હતી. હવામાન શાંત થવાથી તેમ જ જોરદાર  વરસાદે ખમૈયા કરતા બંદર ઉપર જોખમનો નિર્દેશ આવતો ૩ નંબરનો વાવટો ગઇકાલે ઉતારી લેવામાં આવ્યો હતો. પરિણામે ફેરીબોટ સેવા ફરી શરૃ કરવામાં આવતા બોટમાં નિયમિત પ્રવાસ કરતા હજારો લોકોએ રાહત અનુભવી હતી. આવી જ રીતે માછીમારોએ પણ ધીમે ધીમે દરિયો ખેડવાની શરૃઆત કરે છે.

હવામાને રૌદ્રરૃપ ધારણ કરતા દરિયામાં જાણે ડુંગર જેવડા મોજા ઉછળવા માંડયા હતા. ઉપરાંત મુશળધાર વરસાદ અને ૪૫ થી ૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનને કારણે માછીમારોને ૧૬મીથી ૨૧મી ઓગસ્ટ દરમ્યાન દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં  આવી હતી અને પેસેન્જર ફેરીબોટ સર્વિસ બંધ રાખવામાં આવી હતી.


Tags :