Get The App

8 વર્ષ પછી થનારી બીએમસી ચૂંટણીમાં આ વખતે બહુપાંખિયા જંગનાં એંધાણ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
8 વર્ષ પછી થનારી બીએમસી ચૂંટણીમાં આ વખતે બહુપાંખિયા જંગનાં એંધાણ 1 - image


ગત વર્ષે સામટી લોકસભા-વિધાનસભા ચૂંટણી બાદ ફરી ઈલેક્શન ફીવર

ભાજપ-શિંદેનું જોડાણ નક્કી, ઉદ્ધવની કોંગ્રેસ કે રાજ ઠાકરે સાથે સમજૂતી થશે કે નહિ તે અંગે અનિશ્ચિતતા

મુંબઈ -  સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મુંબઈ મહાપાલિકાની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. છેલ્લે ૨૦૧૭માં મહાપાલિકા ચૂંટણી યોજાઈ હતી. આમ આઠ વર્ષ પછી ફરી  પાલિકાની ૨૨૭ બેઠકોની  ચૂંટણી યોજાવા જઈ રહી છે. મહાપાલિકાની તત્કાલીન ચૂંટાયેલી પાંખની  મુદ્દત  ૮ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરી થઈ હતી. તે પછી ત્રણ વર્ષથી મહાપાલિકામાં વહીવટદાર અધિકારી થકી રાજ્ય સરકાર જ પાછલા બારણે રાજ કરી રહી છે.  મુંબઈમાં છેલ્લા અઢી-ત્રણ દાયકાથી ત્યારની અવિભાજિત શિવસેના જ મહાપાલિકામાં  શાસન કરતી હતી અને ભાજપને તેમાં ભાગ મળતો હતો.  પરંતુ, શિવસેના અને એનસીપી બંનેમાં ભાગલા પછી આ વખતે રાજકીય પરિસ્થિતિ તદ્દન અલગ છે. એક તરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને  અજિત પવારની મહાયુતિ હશે. બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ  પહેલેથી જ ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી ચૂકયા છે. આ સંજોગોમાં તેઓ કોંગ્રેસ સાથે છેલ્લી ઘડીએ ચૂંટણી સમજૂતી કરશે કે નહિ અથવા તો તાજેતરના પ્રવાહો અનુસાર રાજ ઠાકરે સાથે હાથ મિલાવશે કે કેમ તે અંગે અનિશ્ચચતા સેવાય છે. 

એશિયાની સૌથી શ્રીમંત મહાપાલિકા ગણાતી મુંબઈ મહાનગરપાલિકાને કબજો કરવા માટે શિવસેનામાં વિભાજન થયા બાદ શિંદે શિવસેના અને શિવસેના ઉદ્ધવ ઠાકરે વચ્ચે જંગ જામશે. જોકે, ભાજપ શિંદે જૂથને મહાપાલિકા કબજે કરવા દેશે કે પોતે જ સત્તાના સુકાન હાથમાં રાખવાનો વ્યૂહ અપનાવશે તે જોવાનું છે. 

ે ભાજપે ગત વર્ષ ૨૦૧૭ ચૂંટણીમાં પાલિકામાં ૮૨ બેઠકો હાંસલ કરી હતી. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં તેને ૩૧ બેઠક મળી હતી. જોકે, ત્યારે ભાજપને અવિભાજિત શિવસેનાનો સાથ હતો. આ વખતે માત્ર શિંદે સેનાનો સાથ રહેશે. બહુ લાંબા સમયથી ભાજપના સ્થાનિક નેતાઓ મહાપાલિકા કબજે કરવાનું સપનું સેવે  છે. આ વખતે ભાજપ શિેંદેને જુનિયર પાર્ટનર તરીકે જ રાખી આ સપનું સાકાર કરવા પ્રયાસ કરી શકે છે. 

વર્ષ ૨૦૨૪માં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં મુંબઈની ૩૬ બેઠકમાંથી મહાયુતિએ ૨૨ બેઠક હાંસલ કરી હતી. જેમાં ભાજપ ૧૫, શિંદે શિવસેના-૬, એનસીપી (અજિત પવાર) ને એક બેઠક મળી હતી. જ્યારે મહાવિકાસ આઘાડીમાં શિવસેના (યુબીટી) એ ૧૦ અને કોંગ્રેસે ત્રણ બેઠકો મેળવી છે. જો વિધાનસભાનું જ પુનરાવર્તન મહાપાલિકા ચૂંટણીમાં થાય તો  ઉદ્ધવ ઠાકરેે મહાપાલિકાની સત્તા ગુમાવવી પડે તેમ છે. જોકે, વિધાનસભા અને મહાપાલિકાનાં સ્થાનિક સમીકરણોમાં ઘણો ફરક છે. 

વિધાનસભાનું ચિત્ર

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી શાસક ભાજપ નેતૃત્વ હેઠળની મહાયુતિમાં લડશે. પણ બાકીના સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલાહાથે લડશે. મુંબઈ પાલિકાને સર કરવા ભાજપે મરણિયો પ્રયાસ હાથ ધર્યો છે. હાલમાં અત્યારે તેમની પાસે ૮૨ બેઠક છે. બહુમતી મેળવવા માટે ૧૧૬ બેઠકની જરૃર હોય છે. આથી શિંદે શિવસેના સાથે મળીને ચૂંટણી લડતા પાલિકા પોતાના કબજો કરી શકે છે. એવી રાજકીય વર્તુળમાં ચર્ચા છે, કારણ કે શિવસેના વિભાજન થતાં શિવસેનાની ૮૨ બેઠકમાંથી અડધોઅડધ નગરસેવકો શિંદે શિવસેનામાં જોડાયા હોવાથી શિવસેના યુબીટીએ 

રાજ અને ઉદ્ધવ સાથે આવે તો શિંદેને ફટકો

થોડા સમય પહેલાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ હાથ મિલાવવાની ઈચ્છા દર્શાવી હતી. બંને ભાઈઓ ખરેખર સાથે આવશે તો મુંબઈ સર કરવાનાં એકનાથ શિંદેના સપનાંને ફટકો પડી શકે છે. જો મુંબઈ મહાનગર પાલિકા શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) યુતિ કરીને ચૂંટણી લડશે તો કદાચ ચૂંટણીનું પરિણામ જુદુ આવી શકે છે. વર્ષ ૨૦૧૨માં મનસેએ ૨૮ બેઠક હાસલ કરી હતી. ત્યારે અવિભાજિત શિવસેનાએ ૭૫ બેઠક મેળવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૭માં મનસેએ માત્ર ૭ બેઠક મેળવી હતી. શિવસેના યુબીટી અને મનસે એક થાય તો શિંદે સેનાને મળે તેવા સેનાના ઘણા વફાદાર મતદારો ઠાકરે પરિવાર તરફ ઢળી શકે છે. 

ભાજપ પોતાના  મેયર માટે તલપાપડ 

આટલા દાયકાઓમાં ક્યારેય ભાજપને પોતાના મેયર બનાવવાનો ચાન્સ મળ્યો નથી. હવે જો  મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં લડે તો ભાજપ એટલે કે મહાયુતિ પાલિકાને કબજો કરશે, અને ભાજપનો મેયર બનશે એવી તક હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચા છે. જોકે, બીજી તરફ શિંદે શિવસેના પણ મેયર પદ માટે આગ્રહ રાખી  શકે છે. મુંબઈમાં  સ્થાનિક સ્તરે  એનસીપી એપીનું અહીં ખાસ વર્ચસ્વ નથી. પરંતુ  અવિભાજિત શિવસેનાના અડધોઅડધ નગરસેવકો  અને કાર્યકરો શિંદે શિવસેનામાં છે. આથી, શિંદે તેમના જોરે મેયર પદ માટે દાવો  માંડી શકે છે.


Tags :