Get The App

રોગચાળાની સીઝનમાં જ શહેરની બ્લડ બેન્કોમાં લોહીનો પુરવઠો અપૂરતો

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
રોગચાળાની સીઝનમાં જ શહેરની   બ્લડ બેન્કોમાં લોહીનો પુરવઠો અપૂરતો 1 - image


રક્તદાન શિબિરો શરુ છતાં પણ પૂરતું લોહી મળતું નથી

 ચોમાસાના પાણીજન્ય રોગનો ફેલાવો- શહેરને દરરોજ રક્તના ૧,૨૦૦ યુનિટ્સની જરૃર હોય છે                                                                

મુંબઇ -   મુંબઇમાં ચોમાસાના આગમન સાથોસાથ પાણીજન્ય રોગ પણ ફેલાયા છે. શહેરની મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકાર સંચાલિત હોસ્પિટલોમાં ડેન્ગુ,  મેલેરિયા, ઉલટી, આંખોમાં બળતરા થવી વગેરે જેવી સમસ્યા વધી રહી છે.  સાથોસાથ આ બધા પાણીજન્ય રોગનાં દરદીઓની સારવાર માટે   રજાના દિવસોને કારણે (હોલી ડે સિઝન)  શહેરની બ્લડ બેન્કોમાં રક્તનો જરૃરી જથ્થો પણ પૂરતો નહીં હોવાની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ હોવાના સમાચાર મળે છે. 

મહાનગરપાલિકા સંચાલિત  હોસ્પિટલની બ્લડ બેન્કના એક અધિકારીના કહેવા મુજબ ગયા મે મહિના દરમિયાન શહેરની મોટાભાગની બ્લડ બેન્કોમાં લોહીનો પૂરતો જથ્થો નહોતો. ખાસ  કરીને ચોમાસામાં થતા પાણીજન્ય રોગનાં દરદીઓની સારવાર માટે રક્તનો જથ્થો પૂરતો  નથી. શહેરમાં  ચેપી રોગના અને શારીરિક  ઇજાના -- માનસિક  સમસ્યાનાં  દરદીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વળી, શહેરમાં ડેન્ગુના કેસમાં દરદીના શરીરમાં પ્લેટલેટ્સ(લોહીમાંના ઘટકો)ની સંખ્યામાં વધારો  થવો જરૃરી હોય છે. ડેન્ગુના દરદીના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા કદાચ પણ ઘટી જાય તો તે પરિસ્થિતિ ચિંતાજનક બની જાય. 

મહાનગરપાલિકા સંચાલિત કૂપર હોસ્પિટલનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમારી પાસે ડેન્ગુના અને મેલેરિયાના કેસ દરરોજ આવે છે. આમાંના અમુક કેસ તો ગંભીર પણ હોય છે. આમ છતાં હજી સુધી કોઇનું મૃત્યુ નથી થયું.  જોકે હાલના તબક્કે શહેરની બ્લડ બેન્કોમાં  રક્તનો  અને રક્તને  લગતા ઘટકોનો પૂરતો જથ્થો નથી. 

મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય ટીળક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ( જે સાયન હોસ્પિટલના નામે પણ જાણીતી છે)ના ડીન  ડો.મોહન જોશીએ એવી માહિતી આપી છે કે  અમને છેલ્લા થોડા દિવસ દરમિયાન રક્તનો ૧૦૦ યુનિટ જેટલો જથ્થો મળ્યો છે. જોકે પરિસ્થિતિ તો તે પહેલાં  જ ચિંતાજનક બની ગઇ હતી. આમ પણ હોલી ડે સિઝન દરમિયાન લોહીનો જથ્થો હંમેશાં ઓછો  જ મળે છે. એટલે કે શહેરમાં રક્તદાન ઓછું થાય છે. 

અકસ્માતના કેસમાં તો દરદીની સારવાર માટે લોહીનો પૂરતો જથ્થો હોવો બહુ જ જરૃરી હોય છે. આમ છતાં અમે પરિસ્થિતિ સંભાળી લઇએ છીએ.  અમારે થેલેસેમિયાનાં દરદીઓની સારવાર માટે દરરોજ રક્તના ૩૫ યુનિટ્સની ખાસ જરૃર હોય છે. શહેરમાં  રવિવારે  યોજાતા રક્તદાનના કેમ્પ્સમાં લગભગ ૩,૦૦૦ યુનિટ્સનો જથ્થો જમા થાય છે. આમાંથી ૭૫૦ યુનિટ્સ અમારી સાયન  હોસ્પિટલને આપવામાં  આવે છે. 


Tags :