તઘલખી નિર્ણયના કારણે રક્તદાન શિબિરો રદ થઈ રહી છે
રક્તદાન શિબિર માટે વાહન લઈ જવા અગાઉ હોસ્પિટલ અધિક્ષકની સહીથી કામ ચાલતું હતું હવે એડિ. કમિશનરની મંજૂરી આવશ્યક
મુંબઈ - મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમલદારોની લાલફિતાંશાહીના પાપે મુંબઈ શહેરમાં લોહીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની બહારના મહા મુંબઈ રિજિયનના વિસ્તારોમાં બ્લડ શિબિરો યોજવા માટે વાહનો લઈ જવાની પરવાનગીની પ્રક્રિયામાં કડાકૂટ વધારી દેવામાં આવતાં રક્તદાન શિબિરોનાં આયોજનમાં મુશ્કેલી નડી રહી છે.
બીએમસી સંચાલિત હોસ્પિટલોની બ્લડ બેન્કો દ્વારા લોહીનો પુરવઠો જાળવી રાખવા માટે મુંબઈ શહેરમાં ઉપરાંત મુંબઈ મહાપાલિકાની હદની બહાર મીરા ભાયંદર, વસઈ વિરાર, થાણે, ડોમ્બિવલી, નવી મુંબઈ, પનવેલ સહિતના મહામુંબઈના વિસ્તારોમાં પણ રક્તદાન શિબિરો યોજવામાં આવે છે.
રક્તદાન શિબિરમાં મળતું લોહી યોગ્ય રીતે સંગ્રહ કરી દૂર દૂર સુધી પરિવહન માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે ખાસ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહન મુંબઈની હદની બહાર લઈ જવી હોય તો અત્યાર સુધી બીએમસી હોસ્પિટલના અધિક્ષકની સહીથી જ પરવાનગી મળી જતી હતી. પરંતુ, બીએમસીનાં આરોગ્ય ખાતાંના કોઈ તઘલખી અધિકારીએ પ્રેક્ટિકલ મુશ્કેલીઓનો વિચાર કર્યા વિના હવે આ વાહન બહાર લઈ જવા માટે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીની સહી ફરજિયાત બનાવી દીધી છે.
મહાપાલિકાના એડિશનલ કમિશનરની સહી મેળવવાનું કામ બહુ અટપટું અને ભારે સમય માગી લે તેવું છે. મોટાભાગે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારી સરળતાથી મળતા નથી, તેમની પાસે સહી માટે ફાઈલોનો ઢગલો હોય છે. આ સંજોગોમાં બ્લડ બેન્કનાં વાહનોને પ્રાયોરિટી મળતી નથી. આથી બ્લડ બેન્ક માટે રક્તદાન કરવું હોય તો ડોક્ટરો, ટેકનિશિયનોેને લઈ જતું અને ત્યાંથી લોહી લાવતું વાહન ઝડપભેર મોકલી શકાતું નથી. આ કડાકૂટમાં કેટલીકવાર તો આયોજિત રક્તદાન શિબિરો રદ કરવી પડી હોય તેવા પણ દાખલા બન્યા છે. થોડા દિવસો પહેલાં બીએમસીની સૌથી મોટી કેઈએમ હોસ્પિટલ માટે બ્લડ મેળવવા પનવેલમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. પરંતુ, એડિશનલ કમિશનરની સમયસર પરવાનગી ન મળતાં આ શિબિર રદ કરવાનો વારો આવ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં મુંબઈની બહારથી ઘણા દર્દીઓ સારવાર માટે આવે છે. આવનારા સમયમાં ઉનાળાની રજાઓ, વધતી ગરમીને કારણે રક્તદાન શિબિરોની સંખ્યામાં ઘટાડો થાય છે. પરિણામે દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રક્તની અછત સર્જાય છે. આવી પરિસ્થિતિમાં સમયસર રક્ત ઉપલબ્ધ ન થાય તો તેની સીધી અસર દર્દી સેવા પર પડી શકે છે. આ સંદર્ભમાં રક્ત સંગ્રહ સરળતાથી થઈ શકે અને દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે હોસ્પિટલના અધિક્ષકોની સહી જ માન્ય રાખવાના અગાઉના નિયમને ફરી અમલી બનાવવાની માગણી શિવસેના યુબીટીના કોર્પોરેટર સચિન પડવલે દ્વારા મહાપાલિકા કમિશનર સમક્ષ કરવામાં આવી છે.


