હજુ 4 દિવસ આવો જ વરસાદી માહોલ રહેવાની શક્યતા
અરબી સમુદ્રંનું ડિપ્રેશન ગુજરાત ભણી જઇ રહ્યું હોવાથી આખા કોંકણ પર અસરઃ માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી
મુંબઇ - આજે સવારથી જ મુંબઇનું ગગન વાદળિયું રહ્યું હતું. સાથોસાથ પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં વરસાદી માહોલ પણ સર્જાયો હતો. ચોમાસાએ જાણે કે વિદાય જ નથી લીધી એવું ભીનું ભીનું વાતાવરણ રહે છે. આકાશમાં જબરો મેઘાડંબર સર્જાયો હોય તેવા વાતાવરણથી સૂર્યનારાયણનાં દર્શન પણ થયાં નહોતાં. દિવસે પણ રાત જેવું અંધારિયું વાતાવરણ સર્જાયું હતું.
આજે સવારથી જ પૂર્વનાં પવઇ,ઘાટકોપર, મુલુંડમાં જ્યારે પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી,મલાડ, અંધેરી, સાંતાક્રૂઝથી લઇને બોંદ્રા -કુર્લા કોમ્પ્લેક્સ(બીકેસી) અને તળ મુંબઇમાં ઝરમર વરસાદ વરસવાનું શરૃ થયું હતું. આવો વરસાદી માહોલ આખો દિવસ રહ્યો હતો.
આવા ભીના ભીના વાતાવરણ સાથે ઠંડા પવનો પણ ફૂંકાયા હોવાથી સમગ્ર વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું હતું.
મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં હવામાનમાં અકળ અને તોફાની પરિવર્તન આવી રહ્યું છે. આમ તો ૨૦૨૫ની ૧૦, ઓક્ટોબરે વર્ષા ઋતુએ મુંબઇમાંથી સત્તાવાર રીતે વિદાય લીધી છે. આમ છતાં હજુ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગમા મેઘગર્જના, વીજળીના ચમકારા, ૪૦ -૫૦ કિલોમીટરની તીવ્ર ગતિએ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાન વિભાગ( મુંબઇ કેન્દ્ર)નાં ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હજી આવતા ચારેક દિવસ દરમિયાન મુંબઇ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે હળવી -મધ્યમ વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. જ્યારે વિદર્ભમાં મેઘગર્જના અને વીજળીના ચમકારાનું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હાલ અરબી સમુદ્રના પૂર્વ -મધ્ય હિસ્સામાં સર્જાયેલું ડિપ્રેશન આજે ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધ્યું છે. આ પરિબળ આવતા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના સમુદ્ર કિનારા ભણી આગળ વધે તેવી સંભાવના છે. આ જ પરિબળની ભારે અસર આખા ઉત્તર કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર, રાયગઢ) પર થઇ રહી છે. પરિણામે આજે મુંબઇ સહિત નજીકનાં સ્થળોએ આકાશ વાદળિયું અને વરસાદી રહ્યું છે. આવું જ વાતાવરણ હજી એકાદ -બે દિવસ દરમિયાન રહે તેવી શક્યતા છે.
બીજીબાજુ હવામાન વિભાગે મુંબઇ સહિત કોંકણના માછીમારોને આવતા ૨૪ કલાક દરમિયાન દરિયામાં નહીં જવાની ચેતવણી આપી છે. હાલ અરબી સમુદ્રમાંના ડિપ્રેશનની તીવ્ર અસરથી આખા કોંકણના અને ગુજરાતના દરિયામાં પવન ૪૦ -૫૦ કિલોમીટરની તોફાની ગતિએ ફૂંકાઇ રહ્યો છે. વળી, સમુદ્રકાંઠા પરનાં સ્થળોએ રહેતાં નાગરિકોને પણ સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૦ અને લઘુત્તમ તાપમાન૨૪.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૦.૦ અને લઘુત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૩ - ૯૫ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૯૧ -૯૪ ટકા જેટલું ઘણું ઘણું વધુ રહ્યું હતું.


