શિંદે સેના કરતાં કોંગ્રેસે ૧૩ બેઠકો મેળવી વધુ સારો દેખાવ કર્યો
ભાજપ શિવસેના કરતાં પણ નરેન્દ્ર મહેતા અને પ્રતાપ સરનાઈકની વ્યક્તિગત લડાઈમાં મંત્રી સરનાઈક પરાસ્ત થયા
મુંબઈ - મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ભાજપે ૯૫ માંથી ૭૦ બેઠકો જીતીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવવાદ સત્તા મેળવી હતી. બીજી તરફ, ભાજપના ઘમંડને તોડવા માટે મેદાનમાં ઉતરેલી શિંદેની શિવસેનાનો શાબ્દિક પરાજય થયો હતો. શિવસેનાને માત્ર ત્રણ બેઠકો મળી હતી. કોંગ્રેસે જોરદાર પ્રદર્શન કરી તેર બેઠકો જીતી હતી.
મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૯૫ બેઠકો છે. રાજ્યમાં શિવસેના-ભાજપ મહાગઠબંધન હોવા છતાં, મીરા ભાયંદરમાં ગઠબંધન તૂટી ગયું હતું. ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા અને શિવસેના નેતા પ્રતાપ સરનાઈક વચ્ચે વ્યક્તિગત હુંસાતુંસી થઈ હતી. આ ચૂંટણીમાં બંને દ્વારા એકબીજા પર વ્યક્તિગત આરોપો લગાવાયા હતા.
શુક્રવારે સવારે મત ગણતરી ધીમે ધીમે શરૃ થઈ હતી. જો કે, દરેક રાઉન્ડમાં ભાજપે શરૃઆતથી જ લીડ મેળવી હતી. ભાજપે ૭૦ બેઠકો જીતી અને પ્રતાપ સરનાઈકના નેતૃત્વ હેઠળની શિવસેનાને હરાવી હતી. ભાજપના બળવાખોર અનિલ ભોંસલેએ વોર્ડ ૧૪માંથી જંગી જીત મેળવી હતી.
શિવસેના ૨૧ થી સીધી ત્રણ પર આવી..
ગત ચૂંટણીમાં સંયુક્ત શિવસેના પાસે બાવીસ કોર્પોરેટરો હતા. જો કે, આ વખતે તેમનો પરાજય થયો હતો. ૮૧ બેઠકો પર ચૂંટણી લડનાર શિવસેનાને માત્ર ત્રણ બેઠકો મળી હતી. શહેરી વિસ્તારોના મતદારોએ શિવસેનાને નકારી કાઢી હતી. ભૂતપૂર્વ મેયર કેટલિન પરેરા, જિલ્લા પ્રમુખ રાજુ ભોઈર, તેમની પત્ની ભાવના ભોઈર અને સૌથી ધનિક ઉમેદવાર ધનેશ પાટિલનો પરાજય થયો હતો. શિવસેનાના તારા ઘરત અને તેમના પુત્ર પવન ઘરતનો પણ વોર્ડ નંબર દસમાંથી પરાજય થયો, જે શિવસેનાનો ગઢ છે.
કોંગ્રેસને એકલા ચલો ફળ્યુું
જ્યારે શિવસેના-ભાજપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસ 'એકલા ચલો' ના નારા સાથે મેદાનમાં ઉતરી હતી. કોંગ્રેસે તેના પરંપરાગત ગઢ મીરા રોડ સહિત ૧૩ બેઠકો જીતી હતી. કોંગ્રેસ નેતા મુઝફ્ફર હુસૈનની પુત્રી જીતી ગઈ છે. ઉબાટા, મનસે અને બન્ને રાષ્ટ્રવાદીઓ પોતાનું ખાતું ખોલી શક્યા નહીં.


