પુણેમાં ભાજપના કાર્યકર દ્વારા પાલિકામાં કામ કરતી મહિલા ડૉક્ટરની સતામણી
મહિલા ડોક્ટરનો પીછો , વારંવાર અશ્લીલ ટિપ્પણીનો આરોપ
મહિલા ડૉક્ટરને ઓફિસ જવામાં પણ ડર લાગતો હતો, કાંબળે સામે ગુનો દાખલ થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ
મુંબઈ,તા.૧૮ - પુણે મહાનગર પાલિકામાં કાર્યરત એક મહિલા ડૉક્ટરના ગંભીર આરોપ બાદ શિવાજી નગર પોલીસે ભાજપના પુણે કામગાર પાંખના અધ્યક્ષ ઓમકાર કદમ અને અક્ષય કાંબળે સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાને લીધે ભારે ખળભળાટ મચી ગયો હતો.
આ બાબતે પુણે મહાનગર પાલિકામાં કાર્યરત ૩૭ વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી કદમ અને કાંબળે વારંવાર કોઈ કારણ વગર તેમનો પીછો કરતા હતા. આટલું જ નહીં પણ ડૉક્ટરના વિભાગના અન્ય અધિકારી અને કર્મચારી સામે અશ્લીલ અને અપમાનજનક ટીપ્પણી કરતા હતા. આ પ્રકારની આરોપીઓની વર્તણૂકને લીધે ફરિયાદી મહિલાની સમાજમાં બદનામી થતી હોવાથી અને તેના ચારિત્ર્ય પર શંકા લેવાતી હોવાથી મહિલા ડૉક્ટર ડિપ્રેશનમાં સરી પડી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં તેને ઓફિસ જવામાં પણ ડર લાગતો હતો.
અંતે ફરિયાદીએ હિંમત કરી શિવાજી નગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કદમ અને કાંબળે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લીધે રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે શિવાજી નગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.