Get The App

નેતાજીએ 8 દિવસમાં 3 પક્ષ બદલ્યા! હત્યા અને બળજબરીથી પૈસા વસૂલીનો છે આરોપ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
BMC election


BMC election: મહારાષ્ટ્રમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં મયૂર શિંદે નામના ઉમેદવાર હાલ સૌથી વધુ ચર્ચામાં છે. મુંબઈમાં 15 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી યોજાવાની છે, જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મયૂર શિંદેએ અજિત પવારની એનસીપી (NCP)માંથી ફોર્મ ભરીને સૌને ચોંકાવી દીધા છે. નવાઈની વાત એ છે કે, મયૂર શિંદેએ ટિકિટ મેળવવાની લાલચમાં માત્ર 8 દિવસમાં 3 વાર પક્ષ બદલ્યો છે. 22 ડિસેમ્બર સુધી તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં હતા, પણ ત્યાંથી ટિકિટ ન મળતા 23 ડિસેમ્બરે ભાજપમાં જોડાયા હતા. જ્યારે ભાજપે પણ તેમને ટિકિટ ન આપી, ત્યારે અંતિમ સમયે તેઓ અજિત પવાર જૂથમાં જોડાઈ ગયા અને સાવરકર નગર વોર્ડ નંબર 14થી ઉમેદવારી નોંધાવી દીધી.

ભાજપમાં પ્રવેશ અને વિપક્ષના પ્રહારો

મયૂર શિંદેનો વિવાદ માત્ર પક્ષપલટા પૂરતો સીમિત નથી, પરંતુ તેમનો ગુનાહિત ઇતિહાસ પણ ચિંતાનો વિષય બન્યો છે. તેમના પર હત્યા, હત્યાનો પ્રયાસ અને જબરન વસૂલાત જેવા ગંભીર આરોપો છે, એટલું જ નહીં, તેમની સામે મકોકા(MCOCA) હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉત અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બદલ તેમની ધરપકડ પણ થઈ હતી. ભૂતકાળમાં 2017માં પણ અવિભાજિત શિવસેનાએ તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિને કારણે ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ વખતે ભાજપે તેમને પક્ષમાં સામેલ કરતા વિરોધ પક્ષોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: ગજબ! ભાજપે ટિકિટ ન આપી તો નેતાજીએ નકલી ફૉર્મ ભરી દીધું, છેવટે પક્ષે કરવી પડી કાર્યવાહી!

131 બેઠકો પર જામશે જંગ

ચૂંટણીના સમીકરણોની વાત કરીએ તો, 131 બેઠકો પર રસાકસીનો જંગ ખેલાવાનો છે. એક તરફ મહાયુતિમાં સામેલ ભાજપ 40 અને એકનાથ શિંદેની શિવસેના 87 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે બીજી તરફ રાજ ઠાકરેની મનસે(MNS) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ હાથ મિલાવ્યા છે. આ બધાની વચ્ચે અજિત પવારની એનસીપી અને કોંગ્રેસે તમામ 131 બેઠકો પર એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે 16 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર થનારા પરિણામોમાં જનતા આ પક્ષપલટા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને કેવી રીતે સ્વીકારે છે.

નેતાજીએ 8 દિવસમાં 3 પક્ષ બદલ્યા! હત્યા અને બળજબરીથી પૈસા વસૂલીનો છે આરોપ 2 - image