પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરનારા ભાજપના નેતાને જામીનનો ઈન્કાર

ગણપત ગાયકવાડે શિંદે સેનાના નેતા પર ગોળી છોડી હતી
ઘટના સભ્ય સમાજમાં આઘાતજનક અને અસ્વીકાર્ય ઃ કાયદાનો અનાદર છતો થયો અને નાગરિકોમાં ભય પ્રસર્યોઃ કોર્ટ
ગણપત ગાયકવાડનાં પત્ની હાલ ધારાસભ્ય હોવાથી સાક્ષીદારોને ધમકાવી શકે તેવી પણ કોર્ટની આશંકા
મુંબઈ - ઉલ્હાસનગરમાં ગયા વર્ષે પોલીસ સ્ટેશનની અંદર શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર કથિત ગોળીબાર કરવા બદલ ભાજપના માજી ધારાસભ્ય ગણપત ગાયકવાડને જામીન આપવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. હાઈકોર્ટે નોંધ કરી હતી કે આવી ઘટના સભ્ય સમાજમાં આઘાતજનક અને અસ્વીકાર્ય છે.
કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે માત્ર ગોળીબાર કરવામાં આવ્યો નથી પણ એવો આરોપ છે કે ગણપત ગાયકવાડે મૃતક જીવંત હોવાનું જણાતાં તેની છાતી પર બેસીને રિવોલ્વરના હાથાથી મારમાર્યો હતો. જો સાચું હોય તો આવું કૃત્ય હત્યાનો ઈરાદો જ નહીં પણ પોલીસ અધિકારીની હાજરીમાં અને સ્થળ જોયા વિના ઘાતક પરિણામ લાવવાની ખાતરી કરવાનો અરજદારનો ઈરાદો પણ છતો થાય છે.
પોલીસ સ્ટેશનની ચાર દીવાલો વચ્ચે થયેલું હિંસાનું કૃત્ય હળવાશથી લઈ શકાય નહીં કેમ કે ત સીધો કાયદો વ્યવસ્થા અને સલામતી પર હુમલો ગણાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
કાયદા પાલન અને જન સુરક્ષા માટેની સંસ્થા પોલીસ સ્ટેશનની અંદર હિંસક હુમલો થયો એ આઘાતજનક ઘટના છે. એ પણ જે વ્યક્તિ જનપ્રતિનિધિ રહી છે અને તેના દ્વારા આવો વર્તાવ કાયદા પ્રત્યે અનાદર છતો થાય છે એટલું જ નહીં પણ નાગરિકોમાં ભય અને ધમકીનો સંદેશ જાય છે, એમ કોર્ટે નોંધ કરી હતી.
કોર્ટે ગણપત ગાયકવાડના ત્રણ બોડીગાર્ડના જામીન પણ નકાર્યા હતા. તેમણે હુમલામાં સક્રિય ભૂમિકા નીભાવી હતી. અરજદારની પત્ની હાલ ધારાસભ્ય છે અને સાક્ષીદારોમાં ભય અને દબાણનું વાતાવરણ લાવી શકે છે. વ્યક્તિને સ્વયંત્રતા જરૃરી છે પણ ગંભીર ગુનો કરવાની પરવાનગી આપી શકાય નહીં.
ગયા વર્ષે બીજી ફેબુ્રઆરીએ ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ જગતાપની કેબિનમાં ગણપત ગાયકવાડ અને તેમના સાથીદારો રાત્રે ૯.૩૦ વાગ્યે ધસી ગયા હતા. કેબિનમાં શિવસેનાના શિંદે જૂથના કલ્યાણ પ્રમુખ મહેશ ગાયકવાડ હાજર હતા. બોલાચાલી બાદ ગરમા ગરમી થઈ હતી. જગતાપ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા કેબિનની બહાર ગયા ત્યારે ગાયકવાડે રિવોલ્વર કાઢીને મહેશ ગાયકવાડ પર ગોળીબાર કયા હોવાનો આરોપ છે.









