Mumbai

ભિવંડીમાં ભાજપના નેતા તથા પિતરાઈને તલવારથી રહેંસી નખાયા

By GS TEAM
13 Aug 20251 min read
ભિવંડીમાં ભાજપના નેતા તથા પિતરાઈને તલવારથી રહેંસી નખાયા

હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસી ઘા માર્યા

મોડી રાતે સરેઆમ બેવડી હત્યાથી ચકચારઃ અંગત અદાવત સહિતનાં કારણોની તપાસ

મુંબઇ -  ભિવંડીમાં ભાજપ યુવા પાંખના નેતા અને તેના પિતરાઇ ભાઇની ગઇકાલે રાતે ઓફિસમાં ઘૂસી હત્યા કરાતા ચકચાર જાગી હતી. તલવાર અને ચાકૂથી હુમલો કરી નાસી ગયેલા અજાણ્યા આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પૂર્વ વૈમન્સ્ય કે અન્ય કયા કારણથી હત્યા થઇ એની તપાસ ચાલી રહી છે.

ભિવંડીમાં ખારબાવ ચિંટોટી રોડી પર ખારડી ખાતે ગઇકાલે રાતે ભાજપ યુવા મોરચાના  થાણે ગ્રામિણ જિલ્લા એકમના ઉપાધ્યક્ષ પ્રફુલ્લ તાંગડી (ઉં.વ.૪૨) તેમની ઓફિસમાં પિતરાઇ ભાઇ તેજસ તાંગડી (ઉં.વ.૨૨) અને અન્ય સાથીદારો સાથે બેસેલા હતા.

ભિવંડી તાલુકાના પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હર્ષવર્ધન બર્વેએ જણાવ્યું હતું કે અજાણ્યા ચારથી પાંચ હુમલાખોરો ધારદાર શસ્ત્રો લઇ તાંગડીની ઓફિસમાં ઘૂસી ગયા હતા. પછી તેમના પર હુમલો કર્યો હતો. જેના લીધે બંનેને ગંભીર ઇજા થઇ હતી.  બંને ભાઇઓ જમીન પર પડી ગયા હતા. આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. તલવાર અને ચાકૂથી લોહીલુહાણ થઇ ગયેલા પ્રફુલ્લ અને તેજસનું મોત નિપજ્યું હતું. 

બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. થાણે ગ્રામિણ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને સ્થાનિક પોલીસ સાથે મળીને વિસ્તારના સીસીટીવી ફુટેજનું વિશ્લેષણ કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે.