ઉદ્ધવ ઠાકરેની સેનાને ૧૩.૧૩ ટકા મત મળ્યા
વિજેતા ઉમેેદવારોને મળેલા મતોમાંથી ૪૫ ટકા ભાજપને, ૨૭ટકાથી વધુ મત ઉદ્ધવ સેનાને મળ્યા
મુંબઈ - મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં મળેલા મતોના આંકડા જોતાં ભાજપ અને એન્ય પક્ષો વચ્ચે ખાસ્સું અંતર રહ્યું હોવાનું દેખાય છે. કુલ મતદાન થયું તેમાંથી ભાજપને ૨૧.૫૮ ટકા મત મળ્યા છે. ભાજપ પછી ડબલ ડિજિટમાં ફક્ત ઉદ્ધવ ઠાકરેની શિવસેના રહી છે તેને ૧૩.૧૩ ટકા મતો મળ્યા છે.
૨૧.૫૮ ટકા મત સાથે ભાજપને ૮૯ બેઠક મળી છે જ્યારે ૧૩.૧૩ ટકા મત સાથે ઉદ્ધવ સેનાને ૬૫ બેઠક મળી છે.
બીજી તરફ એકનાથ શિંદેની શિવસેનાને કુલ પાંચ જ ટકા મત મળ્યા છે. મતલબ કે મુંબઈમાં જેટલા મતદારોએ મતદાન કર્યું તેમાંથી ફક્ત પાંચ જ ટકા લોકોએ શિંદે સેના પર પસંદગી ઉતારી છે.
રસપ્રદ રીતે મુંબઈમાં શિંદે સેનાના મતદારો અને કોંગ્રેસના મતદારો વચ્ચે બહુ ઝાઝો ફરક નથી. કોંગ્રેસને ૪.૪૪ ટકા મતો મળ્યા છે. રાજ ઠાકરેની મનસેને ફક્ત ૧.૩૭ ટકા મત મળ્યા છે. એઆઈએમઆઈએમ પાર્ટીને ૧.૨૫ ટકા જ મત મળ્યા છે.
અજિત પવારની એનસીપીને ફક્ત ૦.૪૫ ટકા મત મળ્યા છે જ્યારે શરદ પવારની એનસીપીને ફક્ત ૦.૨૨ ટકા મત મળ્યા છે.
મુંબઈમાં કુલ એક કરોડથી વધારે મતદાર નોંધાયા હતા. તેમાંથી ૫૪, ૬૪, ૪૧૨ મતદારોએ મતદાન કર્યું હતું. ૧૧૬૭૭ પોસ્ટલ વોટ નોંધાયા હતા.
વિજેતા ઉમેદવારોને મળેલા મતનો કુલ સરવાળો ૨૬,૦૭,૬૧૨ મતોનો છે. વિજેતા મતદારોને મળેલા કુલ મતોમાંથી ટકાવારીની રીતે જોવામાં આવે તો ભાજપને ૪૫.૨૨ ટકા મત મળ્યા છે. જ્યારે ઉદ્ધવ સેનાને ૨૭.૫૨ ટકા મત મળ્યા છે. શિંદે સેનાને ૧૦.૪૮ ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને ૯.૩૧ ટકા મત મળ્યા છે. મનસેના ઉમેદવારોને ૨.૮૭ ટકા મત મળ્યા છે.


