વિશેષ વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવા તંત્રને તાકીદ
ફક્ત આધાર કાર્ડનો પુરાવો રજૂ કરનારા સામે કેસ થશેઃ નકલી બર્થ-ડે સર્ટિફિકેટ્સ મેળવી સરકારી લાભો મેળવનારાઓની શોધ કરાશે
મુંબઈ - ફક્ત આધાર કાર્ડને આધારે મેળવેલા બર્થ સર્ટિફિકેટ્સ રદ કરવામાં આવશે તેવું મહારાષ્ટ્ર મહેસુલ પ્રધાન ચંદ્રશેખર બાવનકૂળેએ કહ્યું હતું. અમરાવતી, અકોલા, લાતુર, સંભાજીનગર સહિતના ૧૪ જિલ્લાઓમાં નકલી બર્થ સર્ટિફિકેટ્સ આપવામાં આવી રહ્યા છે. જન્મના એક વર્ષ સુધી આરોગ્ય વિભાગ અને તે પછી મહેસુલ વિભાગ સર્ટિફિકેટ આપે છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પણ આ પ્રકારની જ છે.
જન્મના સ્થળ અને તારીખના પુરાવા તરીકે એમાત્ર આધારાકાર્ડ હોય તો તે સ્વીકાર્ય નથી તેવું સરકારી અધિકારીઓની બેઠકમાં કહેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ગૃહ અને મહેસુલ વિભાગના વધારાના મુખ્ય સચિવોની ઉચ્ચસ્તરીય બેઠક ગુરુવારે મળી હતી.
તમામ તહેસીલદારો, સબડિવિઝનલ અધિકારી, જિલ્લા કલેક્ટરો અને ડિવિઝનલ કમિશનરોએ ૧૬ મુદ્દાઓની 'વેરિફિકેશન ગાઇડલાઇન' મોકલી છે. બર્થ સર્ટિફિકેટ મેળવવાની અરજીમાં જણાવેલી વિગતોમાં અને આધારકાર્ડની વિગતોમાં વિસંગતતાઓ હોય તો એફઆઇઆર નોંધવામાં આવશે. ૧૪ જિલ્લાઓમાં વેરિફિકેશન કેમ્પસ હાથ ધરવા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરો અને ડિવિઝનલ કમિશનરોને નિર્દેશ આપવામાં આવ્યા છે.
ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના મહેસુલ વિભાગે બોગસ બર્થ સર્ટિફિકેટસ અને ડેથ સર્ટિફિકેટ્સ રદ કરવા રાજ્યવ્યાપી અભિયાન શરૃ કરાશે તેવો આદેશ બહાર પાડયો હતો. બાવનકુળેએ કહ્યું કે 'સરકારી લાભો મેળવવા, જમીન પર અતિક્રમણ કરવા અને રાષ્ટ્રની સુરક્ષા સામે જોખમ ઊભું થાય તેવા કામો માટે નકલી બર્થ સર્ટિફિકેટ્સ અને ડેથ સર્ટિફિકેટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.
આધાર એકમાત્ર પુરાવો હોય તેવા અરજદારોની યાદી તૈયાર કરવા તહેસીલદારોને નિર્દેશ અપાયા છે. આવા અરજદારોની યાદી સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવામાં આવશે અને તે પછી એફઆઇઆર નોંધવામાં આવશે. બોગસ સર્ટિફિકેટ જમા નહીં કરે તેવા લાભાર્થીઓ અથવા જેઓ મળે નહીં તેમને ભાગેડું જાહેર કરાશે અને તેમની સામે પોલીસ ફરિયાદ કરાશે.


