પક્ષીપ્રેમી તરફથી કારના છાપરા પર કબૂતરોને ચણ નાખવાનો નુસ્ખો

દાદરનું કબૂતરખાનું બંધ કરાવવામાં આવતા
આવી રીતે હજી ૧૨ મોટરકાર (ચણગાડી) ફરતી કરવામાં આવશે એવી માહિતી
મુંબઇ - જૈનો અને જીવદયાપ્રેમીઓના પ્રચંડ વિરોધ વચ્ચે મુંબઇ મહાનગર પાલિકાએ દાદર કબૂતરનાખાને બંધ કરાવ્યા બાદ એક પક્ષીપ્રેમીએ કારના છાપરા પર ટ્રે ગોઠવી એમાં કબૂતરોને ચણ નાખવાનો નુસ્ખો અજમાવવામાં આવ્યો છે. આવી હજી ૧૨ મોટરકાર (ચણગાડી) મુંબઇમાં ફરતી કરવામાં આવશે, એવી જાણકારી આ પક્ષીપ્રેમીએ આપી હતી. જોકે સ્થાનિક રહેવાસીઓએ આની સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો.
કબૂતરને ચણ નાખવાના આ નવતર પ્રયોગની વિડિયો વીજળી વેગે વાઇરલ થયો હતો.દાદર કબૂતરખાના પાસે કાર ઉભી રાખીને એક પક્ષીપ્રેમીએ કારના છાપરા પર ટ્રે ગોઠવી એમાં દાણા રાખ્યા હતા અને કબૂતરો ટપોટપ ચણવા લાગ્યા હતા. આસપાસના લોકોએ વિરોધ દર્શાવ્યો ત્યારે આ પક્ષીપ્રેમીએ જણાવ્યું હતું કે હજી તો આવી ૧૨ મોટરકાર જુદા જુદા વિસ્તારોમાં દોડતી કરવામાં આવશે. આ જૈન પક્ષી પ્રેમી લાલબાગ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. દાદરમાં રહેતા એક નાગરિકે જ આ વિડિયો ઉતાર્યો હતો.
દરમ્યાન મહારાષ્ટ્ર વિધાન-પરિષદમાં ગઇ ત્રીજી જુલાઇના રોજ પ્રધાન ઉદય સામંતે કબૂતરની વિષ્ટા અને પીંછાને લીધે શ્વાસનતંત્રની બીમારી લાગુ પડતી હોવાથી મુંબઇના ૫૧ કબૂતરખાના તત્કાળ બંધ કરવાની ઘોષણા કરી હતી. આને પગલે મહાપાલિકાએ શહેરના કબૂતરખાના બંધ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને કબૂતરને ચણ નાખનારાને દંડ કરવાની શરૃઆત કરવામાં આવી હતી. આની સામે જૈનોએ બોમ્બે હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટે મહાપાલિકાની કાર્યવાહી સામે સ્ટે આપ્યો નહોતો.
લોકલાગણીને ધ્યાનમાં લઈ મુખ્ય પ્રધાન ફડણવીસે તાત્કાલિક બંધી નહી લાદવાની ભૂમિકા લીધી હતી. પક્ષી પ્રેમીઓએ ત્યાર બાદ તાડપત્રી ખેંચી કાઢીને બાંબૂ ઉખેડી નાખ્યા હતા. હવે આ મામલે ૧૩મી ઓગસ્ટે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે.
દરમ્યાન મહાપાલિકાએ ૪૪ કબૂતરખાના પ્રકરણે ૧૪૨ કેસ દાખલ કર્યા છે. કબૂતરને ચણ નાખવા બદલ પાલિકાએ ૬૮,૭૦૦ રૃપિયાનો દંડ વસૂલ કર્યો છે. આમાંથી સૌથી વધુ ૨૨ હજાર તો દંડ દાદર કબૂતરખાના પાસે ૫૧ જણ પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.
કબૂતરખાના બંધ કરાવવામાં આવ્યા પછી લોકો ગિરગાંવ ચોપાટી પર, ખુલ્લા મેદાનમાં, મકાનોની અગાશીમાં અને ફૂટપાથો ઉપર કબૂતરને દાણાં નાખવા માંડયા છે. હવે કારના છાપરે ચણ નાખવાનો નવો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે.








