ઈ બાઈક્સને જ મંજૂરી હતાં છતાં પેટ્રોલ બાઈક્સ ચાલતી હતી
અકસ્માતો ઉપરાંત મહિલા પ્રવાસીઓની સલામતી બાબતે પણ ફરિયાદો હતીઃ હવે બાઈક્ ટેકસી પકડાશે તો ચાલક ઉપરાંત માલિક સામે પણ કાર્યવાહી
મુંબઈ - મહારાષ્ટ્રમાં ફક્ત ઈ બાઈક્સને જ મંજૂરી હોવા છતાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ બાઈક્સ ચલાવતી કંપનીઓ ઓલા , ઉબેર તથા રેપિડોનાં બાઈક ટેક્સીનાં લાયસન્સ રદ કરી દેવાયાં છે. આ બાઈક ટેકસીઓ દ્વારા બેફામ ડ્રાઇવિંગ, અકસ્માતો ઉપરાંત મહિલા પ્રવાસીઓની સલામતી બાબતે પણ ફરિયાદો હતો. બાઈક ટેક્સીઓ માટે અસ્થાયી લાયસન્સ જ અપાયાં હતાં પરંતુ શરતોનાં ઉલ્લંઘન બદલ હવે તે પાછાં ખેંચી લેવાયાં છે.
પરિવહન પ્રધાન પ્રતાપરાવ સરનાઈકે વિધાન પરિષદમાં આ જાહેરાત કરી હતી.
વાસ્તવમાં વિધાન પરિષદમાં સુનિલ શિંદેએ ઉઠાવેલા મુદ્દાના જવાબમાં સરનાઈકે કહ્યુું હતું કે ે સરકારે શરુઆતમાં ઈકો- ફ્રેન્ડલી પરિવહન વધારવા અને મહારાષ્ટ્રના લોકોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ઈ- બાઈક ટેક્સીઓને મંજૂરી આપી હતી. ગોવા સહિતનાં રાજ્યોમાં લોકો કેબની સરખામણીએ સસ્તી બાઈક ટેક્સીને વધુ પસંદ કરતાં હોવાનું જોવા મળ્યું છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે બાઈક ટેક્સીને મંજૂરીમાં સંખ્યાબંધ શરતો મૂકી હતી. જેમાં મુખ્ય શરત હતી કે માત્ર ઈ બાઈક્સને જ બાઈક ટેક્સી તરીકે ચલાવી શકાશે. જો કે, ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓએ ઈલેક્ટ્રીકલ બાઈકને બદલે પેટ્રોલથી ચલાતી બાઈકનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. વારંવાર કાર્યવાહી કરવા છતાં નિયમોનું પાલન ન થતું હોવાથી સરકારે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે આ કંપનીઓને જરુરી દસ્તાવેજો સબમિટ કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો. જો કે, તે સમયગાળામાં દસ્તાવેજો સબમિટન ન થતાં સરકારે કડક કાર્યવાહી કરી છે.
ઉબેર ઈન્ડિયા સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડ, રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ (રેપીડો) અને એએનઆઈ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ (ઓલા) ના મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં ૩૦ દિવસ માટે કામચલાઉ લાઈસન્સ આપવામાં આવ્યા હતા અને વધુ એક મહિનાની સમયમર્યાદા આપાવમાં આવી છે. જો આ સમયગાળા દરમિયાન પણ દસ્તાવેજો સમબિટ કરવામાં નહીં આવે તો કાયમી ધોરણે તેમનું લાયસન્સ રદ કરાશે.
ઉપરાંત કેટલીક જગ્યાએ બાઈક ટેક્સી ચાલકો તરફથી અકસ્માતો અને મહિલાઓની સલામતી અંગે પણ ફરિયાદો મળી છે. આ કારણે પરિવહન વિભાગે સંબંધિત કંપનીઓને નોટિસ ફટકારી છે અને કેટલાક કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે.
નવા નિર્ણય મુજબ, જો પેટ્રોલ બાઈક ટેક્સી ચાલતી જોવા મળશે, તો માત્ર ડ્રાઈવર જ નહીં પરંતુ બાઈક માલિક સામે પણ કેસ નોંધવામાં આવશે અને બાઈક પણ જપ્ત કરવામાં આવશે.
તો વાહનવ્યવહાર વિભાગે રાજ્યભરની પ્રાદેશિક અને ઉપ પ્રાદેશિક પરિવહન કચેરીઓને ગેરકાયદે બાઈક ટેક્સી વાહનો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યો છે. ટીમો દ્વારા તપાસ કરીને દોષિત વાહનો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એપ્રિલ ૨૦૨૪ થી ૧૩૦ ટુ વ્હીલર વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને રુ. ૩૩ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.


