Get The App

ભોજપુરી એકટ્રેસ આકાંક્ષા અવસ્થી દ્વારા બિઝનેસમેન સાથે ૧૨ કરોડની છેતરપિંડી

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ભોજપુરી એકટ્રેસ આકાંક્ષા અવસ્થી દ્વારા  બિઝનેસમેન સાથે ૧૨ કરોડની છેતરપિંડી 1 - image

200 કરોડનાં વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું 

 બિહારના એક ગોદામમાં રાખેલા ૩૦૦ કરોડ રૃપિયા કાનૂની ગૂંચવણોને કારણે અટવાયાનો દાવો કર્યો

મુંબઈ  -  ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા અવસ્થી અને તેના પતિ વિવેકકુમાર ઉર્ફે અભિષેકકુમાર સિંહ ચૌહાણ સામે મુંબઈ સ્થિત કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ સાથે ૧૧.૫૦ કરોડ રૃપિયાની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. કસ્ટમ ક્લિયરન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશ કાંતિલાલ અજમેરા દ્વારા બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. અજમેરાએ ઘાટકોપરના પંતનગર પોલીસનો સંપર્ક કરીને આરોપ લગાવ્યો હતો કે આ દંપતીએ તેમને ઉંચા વળતરના ખોટા વચનો આપીને લલચાવ્યા હતા અને ફિલ્મ ઉદ્યોગમાં મજબૂત સંબંધો હોવાનો દાવો કર્યો હતો. તેમની ફરિયાદના આધારે ૨૮ જાન્યુઆરીના રોજ એફઆઇઆર નોંધવામાં આવી હતી.

એફઆઇઆર  મુજબ ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે આકાંક્ષા અને વિવેકે પોતાને ફિલ્મ ઉદ્યોગમાં પ્રભાવશાળી વ્યક્તિઓ તરીકે રજૂ કર્યા હતા. જેમાં તેમણે પુષ્કળ સંપત્તિ અને બોલીવૂડના લોકો સાથે મજબૂત અને ઘનિષ્ઠ સંબંધો હોવાનો દાવો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અભિનેત્રીએ તેમને કહ્યું હતું કે અંધેરીમાં તે એક ફિલ્મ સ્ટુડિયો અને એક્ટિંગ ઇન્સ્ટિટયૂટ પણ ધરાવે છે.

ફરિયાદીએ  આરોપ લગાવ્યો હતો કે તેમને સ્ટુડિયોની માલિકી, ખ્યાતિ અને કોઈ પણ વ્યાજ વગર ૨૦૦ કરોડ રૃપિયાના વળતરની ખાતરી આપીને રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વિવેકકુમારે તેમને કહ્યું હતું કે બિહારના બેતિયા વિસ્તારમાં એક વેરહાઉસમાં તેમની પાસે ૩૦૦ કરોડ રૃપિયા રોકાણ છે જે કથિત કાનૂની ગૂંચવણોને કારણે અટવાઈ ગયા છે. ફરિયાદીએ આગળ એવો આરોપ લગાવ્યો હતો કે તેણે માર્ચથી દુલાઈ, ૨૦૨૪ વચ્ચે આરોપી દ્વારા પૂરા પાડવામાં આવેલા અનેક બેંક ખાતાઓમાં ૧૧.૫૦ કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને પટણા લઈ જવામાં આવ્યા હતા અને ગોદામના સંબંધિત કથિત દસ્તાવેજો પણ બતાવવામાં આવ્યા હતા.

એફઆઇઆરમાં  વધુમાં જણાવાયું છે કે  પાંચમી  જુલાઈ ૨૦૨૪ના જ્યારે તેઓ પટણાના બેતિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે વિવેકકુમાર મીઠાઈ ખરીદવાના બહાને કારમાંથી ઉતર્યો હતો અને ક્યારેય પાછો ફર્યો નહોતો. ફરિયાદીએ એવો આરોપ લગાવ્યો હતો કે ત્યાર બાદ કુમારે તેનો મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો.

૨૮ જાન્યુઆરી  ૨૦૨૬ના રોજ અજમેરાએ ઘાટકોપરના પંતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. જોકે છેતરપિંડીની રકમ વધુ હોવાથી આ કેસ આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ)ને સોંપાય તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે.