બેસ્ટ પાસે પોતાની માલિકીની ફક્ત ને ફક્ત ૨૪૯ જ બસ રહી
બેસ્ટને કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાઈ છેઃ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સાથે મળીને સરકાર પર પસ્તાળ પાડી
મુંબઈ - બીએમસીએ તેનાં બજેટમાં બેસ્ટ સેવાઓ માટે એક રુપિયાનો પણ વધારો કર્યા વિના ફક્ત એક હજાર કરોડની ફાળવણી કર્યાના બીજા જ દિવસે મુંબઈના ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યોએ સાથે મળીને બેસ્ટ સેવા મરવા પડી હોવા બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્યોેએ કહ્યું હતું કે બેસ્ટ સેવાઓ પણ મુંબઈની લાઈફલાઈન છે. પરંતુ, તેની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. આ લાઈફલાઈન ખુદ હવે મરણપથારીએ છે. બેસ્ટને કોન્ટ્રાક્ટરોને ભરોસે ચલાવાઈ રહી છે. ધારાસભ્યોએ શહેરી વિકાસ ખાતાંનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને બેસ્ટની કથળતી સેવાઓ બાબતે ઘેરી તડાફડી મચાવતાં શિંદેએ જાતભાતના ખુલાસા કરવાની નોબત આવી હતી.
શાસક ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોના એક ડઝનથી વધુ ધારાસભ્યોએ બેસ્ટ ખાડે ગઈ હોવા બાબતે સરકારને ઘેરી હતી. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિએ બેસ્ટ પાસે પોતાની ખુદની માલિકીની કહેવાય એવી ફક્ત ને ફક્ત ૨૪૯ બસો છે. એપ્રિલ ૨૦૨૪માં બેસ્ટની માલિકીની ૧૧૦૦ બસ હતી. તે એપ્રિલ ૨૦૨૫માં ઘટીને ૭૫૭ થઈ. હવે ફક્ત ૨૪૯ બસો થઈ ગઈ છે પણ બીએમસી અને સરકાર તમાશો જોયા કરે છે. બેસ્ટ બસોની સંખ્યામાં ઘટાડાથી અનેક રુટ બંધ કરી દેવાયા છે. લાખો પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે. આ ઘટાડાના કારણો શું છે અને સરકાર શું પગલાં લેવા ધારે છે તે વિશે ધારાસભ્યોએ સવાલોનાં તીર વરસાવ્યાં હતાં.
છેવટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ધારાસભ્યોના રોષને થાળે પાડવાના પ્રયાસ કર્યો હતો. તેમણે કબૂલ્યું હતું કે બેસ્ટની બસોની સંખ્યા ઘટી ગઈ હોવાની વાત સાચી છે. જોકે, તેમણે દાવો કર્યો હતો નિયમાનુસાર આયુષ્ય પૂર્ણ થઈ જાય ત્યારે બસોને સ્ક્રેપ કરી દેવી પડે છે તેના કારણે આ નોબત આવી છે.
ધારાસભ્યોએ જણાવ્યું હતું કે મુંબઈની વસતી જોતાં શહેરમાં ૧૦થી ૧૫ હજાર બસો હોવી જોઈએ. તેને બદલે કોન્ટ્રાક્ટરોના ભરોસે બસો દોડાવાય છે. આ બસોનું યોગ્ય મેઈનટેનન્સ થાય છે કે કેમ તે એક સવાલ છે.
આ તબક્કે શિંદેએ કહ્યું હતું કે બેસ્ટ માટે ૬૫૫૫ બસો ભાડે લેવા કરાર કરાયા છે. તેમાંથી ૨૫૧૮ બસો હાલ રોડ પર દોડી રહી છે.
તેમણે દાવો કર્યો હતો કે ભાડે લેવાયેલી બસોનું સમયાંતરે સેફ્ટી ચેક થાય છે અને તેનું યોગ્ય મેઈનટેનન્સ થતું હોવાનું સુનિશ્ચિત કરવામાં આવે છે.
શિંદેએ એવો પણ દાવો કર્યો હતો કે આગામી નાણાંકીય વર્ષમાં નવી ૩૦૮૮ બસો ઉમેરાશે. તેમાંથી ૨૫૪૨ સિંગલ ડેકર, ૪૨૬ મીડી બસો અને ૧૨૦ એસી ડબલ ડેકર બસો હશે. આ ઉપરાંત બેસ્ટ દ્વારા ૧૫૦૦ મીડી એસી બસો કેન્દ્રની સહાય યોજના હેઠળ ભાડે લેવામાં આવશે.


