કુર્લા - સાંતાક્રુઝથી આવતાં વિદ્યાર્થીઓને ભારે અગવડની સ્થિતિ
ભન્તે વિમાંસાના આંદોલનને પગલે સુરક્ષાની દ્રષ્ટિએ નિર્ણય લેવાયાનો યુનિવર્સિટીનો દાવો પરંતુ બેસ્ટ પ્રશાસન આ નિર્ણયથી અજાણ
મુંબઈ - મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસમાં ચાલતાં રાહુલ બલખંડે ઉર્ફે ભન્તે વિમાંસાના આંદોલનને પગલે યુનિવર્સિટી પ્રશાસને બેસ્ટ બસ નં.૩૧૮ને કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લીધે હજારો વિદ્યાર્થીઓને દૈનિક પ્રવાસમાં અડચણ થતાં વિદ્યાર્થીઓમાં તીવ્ર નારાજગી વ્યક્ત થઈ રહી છે. બેસ્ટમાં આવતાં તમામ લોકોની તપાસ થઈ શકે નહીં, માટે સુરક્ષા અને આંદોલનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યાની માહિતી યુનિવર્સિટીના સૂત્રોએ આપી છે.
કુર્લા અને સાન્તાક્રુઝ સ્ટેશનથી આવતાં પ્રવાસીઓ માટે બેસ્ટની ૩૧૩ અને ૩૧૮ નંબરની બસ મહત્ત્વની માનવામાં આવે છે. તેમાંની ૩૧૮ નંબરની બસ મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા કેમ્પસના વિવિધ વિભાગો સુધી જતી હોવાથી વિદ્યાર્થીઓને ઘણી રાહત થતી હતી. પરંતુ ગત મહિનાભરથી આ બસ કેમ્પસમાં આવતી ન હોવાથી વિદ્યાર્થીઓને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
બેસ્ટની ૩૧૩ નંબરની બસ વિદ્યાનગરીના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી આવી બારોબાર જ નીકળી જાય છે. ત્યારબાદ ત્યાંથી ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન, છત્રપતિ શિવાજી મહારાજ પરીક્ષા ભવન કે અન્ય વિભાગો સુધી વિદ્યાર્થીઓ, કર્મચારીઓએ ચાલતાં જવું પડે છે. સવારે લેક્ચરમાં મોડું થતું હોય ત્યારે તો આ તકલીફ વધુ ત્રાસદાયી બનતી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે.
વિદ્યાર્થીઓ કહે છે કે, એક વિદ્યાર્થી માટે હજારો વિદ્યાર્થીઓની સુવિધા અટકાવવી એ બરોબર નથી. વળી બસ ન હોય તો કુર્લા કે સાંતાક્રુઝથી વિદ્યાર્થીએ યુનિવર્સિટી કેમ્પસમાં જો શેરિંગ રીક્ષામાં પણ આવવું હોય તો પણ ૩૦ થી ૩૫ રુપિયાનો ખર્ચ થાય છે. જેથી વિદ્યાર્થીના પૈસાં તો વધુ ખર્ચાય જ છે સાથે ૧૫ મિનીટ જેટલું ચાલવું પણ પડે છે.
દરમ્યાન બેસ્ટને આ બાબતે એક યાદીમાં જણાવ્યું છે કે, તેમને યુનિવર્સિટી તરફથી બસનો માર્ગ અટકાવવા બદ્દલ કોઈ લેખિત પત્ર મળ્યો નથી. ત્યારે લેખિત આદેશ ન હોવા છતાં ગયા મહિનાથી બસ કેમ્પસમાં કેમ આવતી નથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે.


