બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને નામે રજીસ્ટર્ડ રોલ્સ રોયસ કારને બેંગલુરુ ટ્રાન્સપોર્ટ વિભાગે જપ્ત કરી
ડ્રાઈવરનું નામ સલમાન ખાન હોવાનું બહાર આવ્યું
મુંબઈ : કર્ણાટક રાજ્યના બેંગલુરુ ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે હાલમાં એક રસપ્રદ કેસ આવ્યો છે. અહીંના ટ્રાન્સપોર્ટ વિભાગે હાલ એક સાથે સાત લકઝરી કારને ટેક્સ ન ભરવા સહિતના વિવિધ નિયમોના ભંગ કરવાના આરોપસર જપ્ત કરી હતી. આ સાત લકઝરી કારમાંથી એક રોલ્સ રોયસ કાર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને નામે રજીસ્ટર્ડ હોવાનું બહાર આવ્યું હતું.
જોકે રોલ્સ રોયસના ડ્રાઈવર સલમાન ખાને એક ડિકલેરેશન રજૂ કર્યું હતું. જેમાં બચ્ચને આ કાર તેના પિતા એવા બેંગલુરુના બિલ્ડરને વેચી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ દરમ્યાન એવું પણ જાણવા મળ્યું હતું કે આ એજ કાર છે જે વિધૂ વિનોદ ચોપ્રાએ બચ્ચનને ૨૦૦૭માં ભેટ આપી હતી. જે પછીથી બચ્ચને અહીંના એક બિલ્ડરને વેચી દીધી હતી. જોકે તેમણે કારની ઓનરશીપ ટ્રાન્સફર ન કરી હોવાથી તેના કાગળીયા પર માલિક તરીકે બચ્ચનનું નામ જોવા મળ્યું હતું.
સ્થાનિક પરિવહન વિભાગે અહીંના યુબીસિટીમાં પાર્ક અમુક લકઝરી ગાડીઓ પર કાર્યવાહી કરી હતી. આ કારનો ટેક્સ ભરવામાં આવ્યો નહોતો તેમજ અમુક કારના ડોક્યુમેન્ટ- ઈન્સ્યુરન્સ પણ ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલ પાંચ કાર પાસેના પુડુચેરીમાં રજીસ્ટર્ડ કરવામાં આવી હતી. જ્યાં ટેક્સ ઓછો છે. જ્યારે બે કાર મહારાષ્ટ્રમાં રજીસ્ટર્ડ હોવાનુ ંબહાર આવ્યું હતું. યોગાનુયોગ રોલ્સ રોયસ પર કાર્યવાહી બાદ તેના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે તેનું નામ સલમાન ખાન હોવાનું જણાવી આ કાર તેમના પિતાએ અમિતાભ બચ્ચન પાસેથી ખરીદી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
ટ્રાન્સપોર્ટ વિભાગના એડીશનલ ટ્રાન્સપોર્ટ કમિશનર એલ. નરેન્દ્ર હોળકરે પણ એ વાત કબૂલી હતી કે આ કાર હજી સુધી બચ્ચનને નામે જ રજીસ્ટર છે. નિયમ મુજબ કારના માઈગ્રેશનની તારીખથી ૧૧ મહિના બાદ કોઈ કારને જૂના રજીસ્ટ્રેશન ધરાવતા નંબર સાથે ચલાવી શકાતી નથી. નવા કારના માલિકે ૨૭ ફેબુ્રઆરી ૨૦૧૯માં આ કાર ૬ કરોડ રૃપિયા ખર્ચી બચ્ચન પાસેથી ખરીદી હોવાનું જણાવી બચ્ચન દ્વારા આપેલ ટ્રાન્સફર લેટર પર રજૂ કર્યો હતો. જો આગામી સમયમાં કારના વેલિડ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ હોળકરે સ્પષ્ટ કર્યું હતું.