હીરાના વેપારી સામે મોટાભાગના આરોપ માન્ય
કોર્ટે એન્ટિગુઆ અને બાર્બુડામાંથી ચોકસીના કથિત અપહરણમાં ભારતની કોઈ ભૂમિકા ન હોવાનું પણ સ્વીકાર્યું
એન્ટ્વર્પ અપીલ કોર્ટે બેલ્જિયન સરકારને મેહુલ ચોકસી પર મુકાયેલા સાતમાંથી છ આરોપો પર ભારતને તેનું પ્રત્યાર્પણ મંજૂર કરવાની સલાહ આપી છે. ૩ એપ્રિલે જારી કરાયેલી આ ભલામણ વિશે હવે બેલ્જિયન પ્રશાસન દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે જે તેને પાછો લાવવાના ભારતાના લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વની પ્રગતિ સાબિત થશે.
કોર્ટે નોંધ કરી છે કે ચોકસી સામે ફોજદારી ષડયંત્ર, છેતરપિંડી, બનાવટગીરી, વિશ્વાસઘાત, ઉચાપત અને ગેરવ્યવહાર સહિતના મોટાભાગના આરોપ બેલ્જિયન કાયદા હેઠળ પણ સજાને પાત્ર છે. તેનાથી બંને દેશો વચ્ચે પારસ્પરિકતાની કાનૂની જરૃરીયાત સંતોષાય છે. જો કે તેણે પુરાવા સાથે છેડછાડ અથવા તેને નષ્ટ કરવાના ચાર્જના આધારે પ્રત્યાર્પણ નકારી દીધું હતું કારણ કે આ અપરાધ બેલ્જિયન કાયદા હેઠળ માન્ય નથી.
મહત્વનું છે કે કોર્ટને ૨૦૨૧માં એન્ટિગુઆ અને બાર્બુડામાંથી ચોકસીના કથિત અપહરણમાં ભારત સરકારને જોડતા કોઈ પ્રત્યક્ષ અથવા સીધા પુરાવા નથી મળ્યા. કોર્ટે ઉમેર્યું કે અન્ય ન્યાયક્ષેત્રમાં ચાલી રહેલી તપાસમાં આવી કોઈ કડી મળે તો સંભવિત ગેરવ્યવહાર અથવા સતામણીની ચિંતા ઉદ્ભવી શકે, જો કે હાલ આ બાબતે કોઈ જોખમ નથી.
કોર્ટે વધુમાં માન્ય કર્યું કે બેલ્જિયમ અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ નિયંત્રિત કરતું વૈધ કાનૂની માળખું છે. તેણે આદેશ આપ્યો કે પ્રશ્નમાં રહેલા અપરાધો રાજકીય, લશ્કરી અથવા આર્થિક રીતે બાકાત રાખવામાં આવતા અપરાધોની શ્રેણીમાં નથી આવતા. વધુમાં એવું માનવાનું કોઈ કારણ નથી કે ચોકસીએ વંશ, રાષ્ટ્રીયતા અથવા રાજકીય મંતવ્યોના આધારે ભેદભાવપૂર્ણ અથવા અન્યાયી કાર્યવાહીનો સામનો કરવો પડે.
અગાઉના ચુકાદાઓએ પણ ભારતના કેસને મજબૂત કર્યો હતો. ડિસેમ્બરમાં બેલ્જિયન કોર્ટ ઓફ કેસેશન (સર્વોચ્ચ ન્યાયાલય)એ પ્રત્યાર્પણ વિરુદ્ધ ચોકસીની અપીલ નકારી દીધી હતી. અપીલ કોર્ટે પણ સંભવિત યાતના અથવા ન્યાયથી વંચિત રહેવાના તેના દાવા ફગાવ્યા હતા અને ભારતની ન્યાયી સુનાવણી, જેલની સ્થિતિ, માનવીય અધિકારો તેમજ તબીબી સંભાળ વિશેની ખાતરીઓનો ઉલ્લેખ કર્યો હતો અને નિષ્કર્ષ કાઢ્યો હતો કે પ્રત્યાર્પણથી તેની સામે કોઈ ગંભીર જોખમ નહિ સર્જાય.


