વિરારમાં પ્રેમી દ્વારા પ્રેમિકા-માતાની હત્યાના કેસમાં નવો ઘટસ્ફોટ
ઘરમાં ગેસ ખુલ્લો મૂકી દઈ આગ લગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો : શિવમ સતત માર મારતો હોવાથી નેન્સીએ બ્રેક અપ કરી દીધું હતું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: વિરાર ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો નવો ખુલાસો સામે આવ્યો છે, જેમાં આરોપી યુવક દ્વારા કરાયેલા ગુનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે. પ્રેમી શિવમ ઉપાધ્યાયે નેન્સીની હત્યા કરવા પહેલાં તેના અશ્લીલ ફોટા વાયરલ કર્યા હતા. યુવકે પ્રેમિકા અને માતાની હત્યા કર્યા બાદ ઘરમાં ગેસ ખુલ્લો મૂકીને ઘરમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
વિરાર-વેસ્ટના વાય.કે નગર વિસ્તારમાં આવેલા પૂનમ આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રહેતી ૨૨ વર્ષીય નેન્સી મિશ્રા અને માતા સરિતા મિશ્રાની બેવડી હત્યામાં નેન્સીના બોયફ્રેન્ડ આરોપી ૨૭ વર્ષીય શિવમ ઉપાધ્યાયને ઝડપી લીધો છે. નેન્સીની માતાએ શિવમ સાથે લગ્ન માટે ઇનકાર કર્યો હતો, જેનાથી ગુસ્સે ભરાયેલા શિવમે પૂર્વયોજનાબદ્ધ રીતે આ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી શિવમે હત્યાની યોજના બનાવી હતી. શિવમ અને નેન્સી છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને એક જ જાતિના છે. પરંતુ, શિવમ તેને સતત માર મારતો હતો અને જે તે બોલતો રહેતો હતો. આ કારણે નેન્સીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેની માતાએ પણ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. તેથી, તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે નેન્સીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના અશ્લીલ ફોટા વાયરલ કર્યા હતા. મા દીકરીની હત્યા કર્યા બાદ, શિવમે ગેસ ચાલુ કરીને ઘરને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના ગળા પર છરી મારીને પોતાને પણ ઘાયલ કરી દીધો હતો. શિવમે પહેલા નેન્સી અને તેની માતા પર છરીથી હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યાર બાદ ગુનાના પુરાવા નાશ કરવા માટે તેણે ઘરમાં ગેસ ચાલુ કરીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પ્રયાસ દરમિયાન તે પોતે જ આગમાં દાઝી ગયો હતો. ઉપરાંત, તેણે પોતાના ગળા પર પણ છરી વડે હુમલો કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં આરોપી શિવમ ઉપાધ્યાય લગભગ ચાલીસ ટકા દાઝેલી હાલતમાં મુંબઈની સર જે.જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, અને ડિજિટલ પુરાવાઓ સહિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.


