ભરણપોષણ બાળકોની જરૃરિયાતોના પ્રમાણમાં હોવું જોઈએ
મહિલાએ કરેલી તેની 2 પુત્રીઓ માટે માસિક રૃ.1-1 લાખ ભરણપોષણની માગણી અદાલતે નકારી
મુંબઈ - પતિ સારી કમાણી કરતો હોય એટલે તેનો મતલબ એ નહિ કે તેની આવકનો પ્રમાણસર ભાગ ત્યક્તા પત્ની તથા બાળકોને આપવો જ પડે એમ બોમ્બે હાઈકોર્ટનાં સિંગલ જજ મંજુષા દેશપાંડેએ પોતાની બે પુત્રીઓ માટે એક-એક લાખનાં ભરણપોષણની માગણી કરતી મહિલાની અરજી ફગાવતા ચુકાદામાં જણાવ્યું હતું.
પતિએ આવકનો જે આંકડો દર્શાવ્યો છે તેની સામે પત્નીએ કોઈ વાંધો લીધો નથી. ધારી લઈએ કે, પતિ દ્વારા જાહેર કરાયેલી આવકની રકમ (માસિક રૃ. ૩.૯૮ લાખ) તેની વાસ્તવિક આવક કરતાં વધુ હોય તો પણ, તેનો અર્થ એ નથી કે તેની આવકનો પ્રમાણસર ભાગ પત્ની અને બાળકોને આપવામાં આવે. ભરણપોષણ બાળકોની જરૃરિયાતોના પ્રમાણમાં હોવું જોઈએ,એમ ન્યાયાધીશે ૧૨ ડિસેમ્બરે પસાર કરેલા આદેશમાં જણાવ્યું હતું.
ન્યાયાધીશે એ વાતની નોંધ લીધી હતી કે પતિ દરેક પુત્રી દીઠ પચ્ચીસ હજાર રુપિયા આપવા ઉપરાંત શાળાની ફી તથા અન્ય પ્રવૃત્તિઓના ખર્ચા પણ સંભાળતો હતો. પત્નીએ માસિક ૩,૮૭, ૩૩૩નો ખર્ચ દર્શાવ્યો છે પરંતુ તેનું વિગતવાર વિભાજન આપ્યું નથી.
જજે જણાવ્યું હતું કે, પત્ની અને આશ્રિત બાળકોને સ્વીકાર્ય ભરણપોષણનું પ્રમાણ નક્કી કરતી વખતે આ બધા પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવશે, પતિની નાણાકીય સ્થિતિ અને આવક વિશે સંબંધિત પરિબળો નક્કી કર્યા પછી, જીવનધોરણ અને પત્ની અને તેમની બે પુત્રીઓની વાજબી જરૃરિયાતોની તુલના કર્યા પછી, ભરણપોષણ માટે સ્વીકાર્ય રકમ નક્કી કરી શકાય છે. ચોક્કસ જીવનશૈલીથી ટેવાયેલી બે પુત્રીઓની સંભાળ જરુરી છે પરંતુ બંને માટે એક-એક લાખનો દાવો અતિશયોક્તિપૂર્ણ છે. છતાં પુત્રીઓના ખર્ચ અને જરૃરિયાતો પતિના વિવેકબુદ્ધિ અથવા દયા પર છોડી શકાય નહીં. ફેમિલી કોર્ટે પતિની અંદાજિત ૩,૯૮, ૮૭૦ રુપિયાની આવક ધ્યાને લઈ બંને પુત્રીઓ માટે કુલ મળીને ૫૦ હજાર ચૂકવવા જણાવ્યું હતું. જોકે, હાઈકોર્ટે તે આદેશમાં ફેરફાર કરી દરેક પુત્રી દીઠ ૫૦ હજાર રુપિયા ચૂકવવા જણાવ્યું છે. ન્યાયાધીશે ફેમિલી કોર્ટના આદેશમાં વધુ ફેરફાર કર્યો અને પત્નીને માસિક ભરણપોષણ રૃ. ૨૫,૦૦૦ થી વધારીને રૃ. ૫૦,૦૦૦ કર્યું હતું. જોકે, કોર્ટે પત્ની અને બે પુત્રીઓને ચૂકવવાપાત્ર કુલ ભરણપોષણ રૃ. ૩.૫૦ લાખ કરવાનો ઇનકાર કર્યો હતો.


