- આઈ. સી. સી નું રૂ. 27 કરોડનું ઇનામ અલગ
- ટીમના 15 ખેલાડીઓ, હેડ કોચ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિ વચ્ચે રોકડ રકમ વહેંચાશે
- 2024માં ચેમ્પિયન બનેલી ભારતની ટીમને રૂ. 125 કરોડનું ઇનામ અપાયેલું
મુંબઈ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત રવિવારે ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી કચડીને સતત બીજીવાર ટી ૨૦ વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ શાનદાર ટીમ માટે ૧૩૧ કરોડના જંગી રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.આઈ. સી. સી. તરફથી રૂ. ૨૭ કરોડનું અલાયાદુ ઇનામ તો જાહેર થયેલું જ છે.ભારતીય ટીમે ટી ૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત પોતાનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે અને તે આવી પ્રથમ ટીમ બની છે.ભારતે ૨૦૨૪માં ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે રૂ. ૧૨૫ કરોડનું ઇનામ આપ્યું હતું. રૂ. ૧૩૧ કરોડનું આ વખતે જાહેર થયેલું ઇનામ ટીમના ૧૫ ખેલાડીઓ ઉપરાંત હેડ કોચ ગૌતમ ગંભીર, અન્ય કોચિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સ વચ્ચે તેમના હોદ્દા અને ભૂમિકાના આધારે વહેંચવામાં આવશે.ભારતીય ટીમ હવે ્૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ બની ગઈ છે, જેણે કુલ ત્રણ વખત ૨૦૦૭, ૨૦૨૪, અને ૨૦૨૬ના વર્ષની ટુર્નામેન્ટની આ ટ્રોફી પોતાના નામે કરી છે.


