‘બેટે કો પઢાઓ, બેટી કો બચાઓ' હાઈકોર્ટે સરકારનું સૂત્ર મઠાર્યું

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
‘બેટે કો પઢાઓ, બેટી કો બચાઓ' હાઈકોર્ટે સરકારનું સૂત્ર મઠાર્યું 1 - image


બદલાપુરની શાળામાં બાળકીઓના જાતીય શોષણના કેસમાં ટિપ્પણી

પ્રેશરમાં આવી ઉત્તાવળે ચાર્જશીટ કરવાને બદલે મજબૂત કેસ બનાવવા સૂચના ઃ  શાળાના  સંચાલક અને પ્રિન્સિપાલ હજી ફરાર હોવાથી નારાજગી કેસ ડાયરી જોતાં ઉપરછલ્લી જ તપાસ થઈ છે તેવી પણ ટિપ્પણી

મુંબઈ - બદલાપુરની સ્કૂલમાં બે બાળકીના જાતીય શોષણના કેસની તપાસ કરી રહેલી પોલીસને બોમ્બે હાઈ કોર્ટે નક્કર કેસ તૈયાર કરવા અને જનતાના દબાણ હેઠળ ઉતાવળે આરોપનામું દાખલ નહીં કરવાનું જણાવ્યું છે.ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવાણની બેન્ચે જણાવ્યું હતું કે છોકરાઓને સંવેદનશીલ બનાવવાની જરૃરી છે. છોકરાઓને શિક્ષણ આપવું જરૃરી છે. 'બેટે કો પઢાઓ બેટી કો બચાઓ' એમ ન્યા. ઢેરેએ સરકારી સૂત્રનો ઉલ્લેખ કર્યો હતો. 

કોર્ટે ગયા મહિને  આ કેસમાં સુઓમોટો અરજી દાખલ કરી હતી.  બદલાપુરની શાળામાં યુવક અટેન્ડન્ટે વોશરૃમમાં ચાર વર્ષની બે બાળકીઓ સાથે જાતીય અત્યાચાર કર્યો હતો. આરોપી સફાઈ કર્મચારી અક્ષય શિંદેની ધરપકડ થઈ ચૂકી છે. સાથે જ કલ્યાણ જિલ્લાસેશન્સ કોર્ટના આદેસાનુસાર શાળાના અધ્યક્ષ ઉદય કોતલવાલ અને સચિવ તુષાર આપટે તથા પ્રિન્સિપલ અર્ચના આઠવલે સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો છે. ગુનો દાખલ થયાના સાત દિવસ પછી પણ હજી તેઓ ફરાર હોવાથી કોર્ટે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.

એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આરોપનામું દાખલ કરવામાં આવશે. જોકે બેન્ચે નોંધ કરી હતી કે સ્થાનિક પોલીસે તપાસ યોગ્ય રીતે કરી ન હોવાથી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) તૈયાર કરાઈ છે અને લોકોમાં તીવ્ર આક્રોશ છે.આ બહોળો પ્રશ્ન  છે આ કેસ ભવિષ્યમાં દાખલારૃપ બની રહેશે. લોકોની નજર છે અને આપણે શું સંદેશ આપીએ છીએ એ મહત્ત્વનું છે, એમ કોર્ટે ઉમેર્યું હતું.

આથી આરોપનામું ઉતાવળે દાખલ કરતા નહીં. હજી સમય છે લોકોના દબાણમાં આવતા નહીં તપાસ પૂરી થવી જોઈએ અને મજબૂત કેસ બનાવવો જોઈએ  એમ જજે જણાવ્યું હતું.

કેસ ડાયરી યોગ્ય રીતે મેઈન્ટેન નહીં કરવા બદલ કોર્ટે પોલીસને ખખડાવી હતી. તપાસનું દરેક પગલું કેસ ડાયરીમાં નોંધેલું હોવું જોઈએ. પ્રયાસોનો ઉલ્લેખ નથી કેસડાયરીમાં એજ જૂના શબ્દો લખાયા છે. અમને કઈ નક્કર પગલું જણાતું નથી. કેસ ડાયરી લખવાનો હેતુ જ મરી જાય છે જે દર્શાવે છે કે કેસમાં ઉપરછલ્લી તપાસ થઈ  છે.

 સ્કૂલોમાં બાળકીઓની સલામતી અને સુરક્ષા માટે કમિટી રચાઈ હોવાનું સરાફે કોર્ટને જણાવતાં કોર્ટે છોકરાઓની સલામતી પણ તપાસવી જોઈએ એમ જણાવ્યું હતું. જાતિભેદ વિના સુરક્ષા આપવી જોઈએ. નિવૃત્ત આઈપીએસ અધિકારી મીરા બોરવણકર અને હાઈકોર્ટના નિવૃત્ત જજ સાધના જાધવ કે શાલિની ફાંસળકર-જોશીને કમિટીમાં સામેલ કરો, એવું સૂચન હાઈકોર્ટે કરીને સુનાવણી પહેલી ઓક્ટોબર પર રાખી છે.


Google NewsGoogle News