ડેટ રિકવરી ટ્રિબ્યુનલે આપેલા આદેશને હાઈ કોર્ટે ફગાવ્યો
બેન્ક સમક્ષ ગિરવે મૂકેલી મિલકત ઈડીએ ટાંચમાં લેતાં બંને વચ્ચે પ્રથમ અધિકાર બાબતે વિવાદ સર્જાયો
મુંબઈ - પ્રિવેન્શનલ ઓફ મની લોન્ડરિંગ એક્ટ કરતાં સરફેઈસી તથા આરડીબી એક્ટ જેવા બેન્કનાં દેવાને લગતા કાયદાઓ સર્વોપરી નથી. બેન્કો પીએમએલએ હેઠળ જપ્ત થયેલી મિલ્કતો પર દેવુું બાકી હોય તો પણ પોતાનો અગ્રિમ અધિકાર જતાવી શકે નહિ એમ બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે.
હાઈકોર્ટની નાગપુર બેન્ચે ગત તા. ૨૩ માર્ચના ચુકાદામાં પીએમએલએ એપલેટ ટ્રિબ્યુનલના અગાઉના આદેશને રદ કર્યા હતા. ટ્રિબ્યૂનલે જપ્ત મિલ્કતમાંથી દેવું વસૂલવાના બેન્કના અધિકારને માન્ય રાખ્યો હતો.
સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ (સરફેઈસી) અને રિકવરી ઓફ ડેટ્સ એન્ડ બેન્કરપ્સી એક્ટ (આરબીડી) જેવા દેવા વસૂલી કાયદા એમ બંને કાયદાના ના હેતુઓ તદ્દન અલગ છે અને તે પીએમએલએના કાયદાથી ઉપરવટ નથી.
કોલસા બ્લોકની ફાળવણીમાં ગેરરીતિ સંબંધી ગ્રેેસ ઈન્ડસ્ટ્રીઝ લિ.માં સીબીઆઈ તપાસમાંથી કેસ ઉદ્ભવ્યો હતો. ઈડીએ ૨૪.૯૨ કરોડની ગુનાની આવક શોધી કાઢી હતી અને ૨૦૧૫માં આરોપીઓની સ્થાવર મિલકતને ટાંચમાં લીધી હતી. આ મિલકત ટાંચમાં લેવા પૂર્વે એચડીએફસી બેન્કને ક્રેડિટ ફેસિલિટી માટે સિક્યોરિટી તરીકે ગિરવે અપવામાં આવી હતી.
બેન્કે દલીલ કરી હતી કે મિલકત ઈડીના પગલાં પૂર્વે ગિરવે રખાઈ હોવાથી આરડીબી અને સરફેઈસી કાયદા હેઠળ બેન્ક તેના પર કાનૂની પ્રાધાન્યતા ધરાવે છે.
બેન્કે એપલેટ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો અને ટાંચમાં લેવાની કાર્યવાહીને પડકારી હતી. ટ્રિબ્યુનલે બેન્કની તરફેણમાં આદેશ આપીને નોંધ્યુંં હતું કે ડેટ રિકવરી એક્ટમાં સિક્યોર ક્રેડિટરને કાયદામા ંપ્રાધાન્યતા મળે છે.
ઈડીએ જોકે ટ્રિબ્યુનલનો આદેશ અયોગ્ય રીતે અપાયો હોવાનું જણાવીને પડકાર્યો હતો. પીએમએલએ વિશેષ પેનલનો દરજ્જો ધરાવે છે તેનો હેતુ ગુનામાંથી પ્રાપ્ત મિલકતને ટાંચમાં લેવાનો ુ છે, દેવુ વસૂલવાનો નહીં, એ બાબત ધ્યાનમાં લેવાઈ નથી, એમ દલીલમાં જણાવાયું હતું.
ઈડીએ દલીલ કરી હતી કે પીએમએલએના જપ્તીના હેતુને આદેશ દ્વારા નગણ્ય ગણવામાં આવ્યો છે અને સિવિલ રિકવરી પ્રક્રિયાથી ઓછો આંકવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને હાઈકોર્ટે નોંધ કરી હતી કે બંને કાયદાની જોગવાઈઓ એક બીજાને અસરકર્તા ગણી શકાય નહીં.
જો જપ્તીનો આદેશ અપાયો હોય અથવા પીએમએલએ હેઠળ ગુનાના કેસની સુનાવણી શરૃ થઈ હોય તો જે પક્ષ પોતાનો કાયદેસર અધિકાર દર્શાવતી હોય તો વિશેષ કોર્ટ દ્વારા જ તેનો આદેશ આપી શકાય છે.
ટ્રિબ્યુનલનો આદેશ ગેરકાયદે, જેહુકમી અને કાયદાથી વિપરીત હોવાનું નોઁધીને હાઈકોર્ટે બેન્કને યોગ્ય અરજી કરીને ટાંચમાં લેવાયેલી મિલકત છૂટી કરવા વિશેષ કોર્ટ સમક્ષ જવાની છૂટ આપી હતી.


