બેંક અધિકારી અને તેના પરિવારની ડિજીટલ ધરપકડ કરીને 39 લાખ પડાવ્યા

મહિલા પર બળાત્કારનું આળ મૂક્યું
એરલાઈન ફ્રોડમાં સંડોવણીનો પણ આરોપી ઃ મની લોન્ડરીંગ કેસમાં ધરપકડની ધમકી
મુંબઈ - નાગપુરમાં મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હોવાનું અને મની લોન્ડરીંગમાં તેમની સંડોવણી હોવાના નામે ૫૯ વર્ષીય સહકારી બેંકના કર્મચારી અને તેના પરિવારની ડિજીટલ ધરપકડ કરીને રુ. ૩૯ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
વિગત મુજબ, નાગપુરના કોતવાલી વિસ્તારમાં ૧૮ જૂલાઈના રોજ આરોપીએ ૫૯ વર્ષીય સહકારી બેંક કર્મચારીને તેના મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો હતો. જેમાં આરોપીએ વિજય ખન્ના કોલાબા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારા વિરુદ્ધ એક મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેથી તમારા વિરુદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો છે.
વધુમાં આરોપીએ ફરિયાદીને ધરપકડની પણ ધમકી આપી હતી. આના બે દિવસ બાદ એક મહિલાએ ફરિયાદીને સંપર્ક કર્યો હતો અને તેને પોલીસ સ્ટેશન આવવું પડશે તેવી ધમકી આપી હતી. આ ઘટનાના પાંચ દિવસ બાદ સાયબર ફ્રોડ કરનારે ફરી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને તમારા આધાર કાર્ડનો ઉપયોગ એરલાઈન કૌંભાડમાં થયો હોવાનું જણાવ્યું હતું.
તેથી તમારી સામે મની લોન્ડરીંગનો પણ કેસ નોંધાયવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બાદ બેંક અધિકારી સહિત આખા પરિવારને ડિજીટલ હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ સમયાંતરે ફરિયાદી પાસેથી રુ. ૩૯ લાખ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જો કે, ૧૮ ઓગસ્ટે ઓનલાઈન તપાસ કરતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું. આ ખુલાસા બાદ તેમની તબિયત લથડી પડી હતી.
સારવાર બાદ તેમણે આ અંગે નાગપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.








