Mumbai

નરેશ ગોયલના ખાતાને ફ્રોડ ગણવાના બેન્ક ઓફ ઇન્ડિયાના નિર્ણયને ફગાવાયો

By GS TEAM
30 Sep 20252 mins read
નરેશ ગોયલના ખાતાને ફ્રોડ ગણવાના બેન્ક ઓફ ઇન્ડિયાના નિર્ણયને ફગાવાયો

ગોયલનો પક્ષ સાંભળ્યા વિના એકતરફી નિર્ણય લેવાયો હતોઃ કોર્ટ

જોકે, બેંકને આ કેસમાં નવી કારણ બતાવો નોટિસ જારી કરવાની સ્વતંત્રતા રહેશે તેવી હાઈકોર્ટની સ્પષ્ટતા

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના ખાતાને  ફ્રોડ તરીકે વર્ગીકૃત કરવાના બેંક ઓફ ઈન્ડિયાના નિર્ણયને  એક તરફી ગણાવી રદ કર્યોે છે.

ૅગત પચ્ચીસમી સપ્ટેમ્બરના રોજ આપેલા નિર્ણયમા  ન્યાયાધીશ આર આઈ  છાગલા અને ફરહાન પી દુબાશની બેન્ચે  જણાવ્યું હતું કે  એવું તારણ આપ્યું હતું કે અરજીકર્તાના ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે તે પહેલાં અરજદારને રજૂઆતની તક આપવામાં આવી નથી.  તેથી,કોર્ટે નિર્ણય આપતાં જણાવ્યું હતું કે  પહેલી જુલાઈ, ૨૦૨૫ ના રોજ વાંધાજનક કારણ બતાવો નોટિસના ફકરા બે મુજબ અરજદારના ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરતો આદેશ તે મુજબ રદ કરવામાં આવે છે અને બાજુ પર રાખવામાં આવે છે. 

ડિસેમ્બર ૨૦૨૪ માં જારી કરાયેલી પ્રારંભિક નોટિસમાં ગોયલને બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટનો રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો. જુલાઈ ૨૦૨૫ની નોટિસમાં આ રિપોર્ટ જોડવામાં આવ્યો હતો પરંતુ ગોયલને રજૂઆત કરવાની તક આપ્યા વિના અગાઉના વર્ગીકરણ પર આધાર રાખવામાં આવ્યો હતો.

ગોયલે નોટિસ અને વર્ગીકરણને હાઇકોર્ટ સમક્ષ  પડકારતાં દલીલ કરી હતી  કે બેંકની કાર્યવાહી મનસ્વી હતી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી હતી.

અદાલતે આ ચુકાદો આપતાં જોકે કહ્યું હતું કે બેન્ક નવી શો કોઝ નોટિસ જારી કરવા  માટે  સ્વતંત્ર રહેશે. જોકે આ નોટિસ અલગ કમિટી રચીને તથા કુદરતી ન્યાયની જરુરિયાતો સંતોષાયા બાદ જારી કરવાની રહેશે.