Mumbai

પાંચ લાખની ખંડણી માટે બેન્ક કર્મચારીનું અપહરણ : 24 કલાકમાં છૂટકારો

By GS TEAM
30 Jun 20252 mins read
પાંચ લાખની ખંડણી માટે બેન્ક કર્મચારીનું અપહરણ : 24 કલાકમાં છૂટકારો

અંધેરી મેટ્રો સ્ટેશન પર ક્રેડિટ કાર્ડ વેચતી વખતે ઉઠાવી ગયા

એક પરિચિત સહિત અન્યોની સંડોવણી : એક રાત ગોંધી રાખી બીજા દિવસે છોડી મૂક્યો

મુંબઈ: એક સરકારી બેંકના સેલ્સ એકઝીકયુટીવની તે જ્યારે અંધેરી મેટ્રો સ્ટેશન પર ક્રેડિટ કાર્ડનો પ્રચાર કરી રહ્યો હતો ત્યારે પાંચ લાખની ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ કરાયો છે. આ ઘટના બાદ પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

પીડિતની  ઓળખ શિવમ તરીકે થઈ છે. જ્યારે ત્રણ આરોપીઓની ઓળખ બાલકિશન, સાગર અને અખિલેશ તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આમાંથી એક આરોપી બાલકિશન શિવમનો મિત્ર છે અને છેલ્લા એક મહિનાથી આ ત્રણેય તેના ઘરે આવતા હતા.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર ફરિયાદી શિવમ એક સરકારી બેંકમાં ક્રેડિટકાર્ડ વિભાગમાં સેલ્સ એકઝીકયુટીવ છે. ૨૫ જૂનના અંધેરી મેટ્રો સ્ટેશન પર તે જ્યારે બેંકની ક્રેડિટકાર્ડ યોજનાનો પ્રચાર કરી રહ્યો હતો ત્યારે બાલકિશન, સાગર અને અખિલેશે પાંચ લાખ રૂપિયાની ખંડણી માટે તેનું અપહરણ કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

આ દિવસે રાત્રે શિવમના એક પિતરાઈ ભાઈ સુરજને શિવમના મોબાઈલ પરથી ફોન આવ્યો હતો જેમાં બાલકિશને ખંડણીની માગણી કરી હતી. જો આ રકમ સમયસર નહીં મળે તો શિવમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સુરજે ત્યારબાદ શિવમને મારી ન નાંખવાની વિનંતી કરી સતત બાલકિશનને ફોન કર્યો હતો પણ આ બાબતે કોઈ ઉકેલ આવ્યો નહોતો. સુરજે પોલીસને જણાવ્યું હતું કે શિવમને ગોરેગાંવ અને મલાડ વચ્ચેના એક પાર્કમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે બીજા દિવસે તેમના આશ્ચર્ય વચ્ચે શિવમને છોડી મૂકવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ પોલીસે ત્રણેય વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૦ (૨) (અપહરણ, હત્યા અથવા ખંડણી માટે અપહરણ) ૩ (૫) સામાન્ય હેતુ) અને ૩૫ ૧(૨) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.