Get The App

માથેરાનમાં યુઝ એન્ડ થ્રો રેઈનકોટ પર પ્રતિબંધ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
માથેરાનમાં યુઝ એન્ડ થ્રો રેઈનકોટ પર પ્રતિબંધ 1 - image

હિલ ટાઉનમાં વેચાણ જ બંધ કરી દેવાશે

 ટુરિસ્ટો દ્વારા ગમે ત્યાં ફેંકાતા રેઈનકોટથી પર્યાવરણને હાનિઃ ગટરો ચોક અપ થઈ જાય છે

મુંબઈ -  મુંબઈ નજીક આવેલા માથેરાનમાં પ્લાસ્ટિકના સસ્તા યુઝ એન્ડ થ્રો રેઈનકોટના વેચાણ અને વપરાશ ઉપર માથેરાન નગર-પરિષદે પ્રતિબંધ મૂક્યો છે.

ઈકો-સેન્ઝીટીવ  ઝોનમાં આવેલા હિલ સ્ટેશન પર ફરવા માટે દેશ-વિદેશથી હજારો ટુરિસ્ટો આવે છે. આ ટુરિસ્ટો પોતાની સાથે રેઈનકોટ લાવ્યા નથી હોતા. એટલે જરાક વરસાદ પડે એટલે પ્લાસ્ટિકના સાવ સસ્તા યુઝ એન્ડ થ્રો રેઈનકોટ માથેરાનની બજારમાંથી ખરીદી લે છે અને જ્યાં સુધી હિલ-સ્ટેશનમાં રહે ત્યાં સુધી વાપરે છે. પછી માથેરાનથી પાછા ફરતી વખતે ગમે ત્યાં આ રેઈનકોટ ફેંકીને જતા રહે છે. 

આ રેઈનકોટ વૃક્ષો પર કે ઝાડીઝાંંખરામાં અટવાઈ જાય છે. રસ્તા પર પ્લાસ્ટિકનો કચરો થાય છે અને પરિણામે પર્યાવરણ સામે ગંભીર ખતરો રહે છે. આ બાબતે ધ્યાનમાં લઈને માથેરાન નગર-પરિષદે રેઈનકોટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

માથેરાન નગરપરિષદની એક્ઝિક્યુશન કમિટીના ચેરમેન સુનીલ શિંદેએ 'ગુજરાત સમાચાર'ને આ માહિતી આપતા જણાવ્યું હતું કે માથેરાન નગર-પરિષદની પર્યાવરણ અને નિયોજન સમિતિ તરફથી પ્લાસ્ટિકના રેઈનકોટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

નગરાધ્યક્ષ ચંદ્રકાંત ચૌધરી અને અન્ય વરિષ્ઠ હોદ્દેદારોએ ઈકો-સેન્ઝીટીવ ઝોનમાં આવેલા માથેરાનને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. એટલે હવે માથેરાનની દુકાનોમાં પ્લાસ્ટિકના યુઝ એન્ડ થ્રો રેઈનકોટના વેચાણ પર પ્રતિબંધ અમલમાં આવશે. આવા સસ્તા રેઈનકોટનું વેચાણ જ બંધ થશે પછી સાહજિક રીતે ટુરિસ્ટો તેનો ઉપયોગ કરી જ નહીં શકે.

શિંદેએ કહ્યું હતું કે પ્લાસ્ટિકના રેઈનકોટના કચરની સમસ્યા માત્ર માથેરાન સુધી જ સિમિત નથી રહી, પણ ઘણાં ટુરિસ્ટો માથેરાનથી પાછા ફરતી વખતે નેરળ સ્ટેશની આસપાસ પણ રેઈનકોટ ફેંકતા જાય છે. એટલે નેરળની ગટરો પણ ચોકઅપ થઈ જતી હોય છે. હવે ટૂંક સમયમાં રેઈનકોટનું વેચાણ બંધ કરવાને લગતું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને હિલ-સ્ટેશનમાં જુદા જુદા પોઈન્ટ પર તથા સાર્વજનિક સ્થળે પ્રતિબંધની સૂચના આપતા બોર્ડ લગાડવામાં આવશે.