'તેઓ જૂના શિવસૈનિક છે' : બાલ ઠાકરેની પુત્રવધૂ સ્મિતા CM શિંદેને મળ્યા
મુંબઈ, તા. 27 જુલાઈ 2022, બુધવાર
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ સત્તા ગુમાવી હતી. હવે પાર્ટી તેમના હાથમાંથી જતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઉદ્ધવના પરિવારમાં બળવાના અવાજો ગુંજી રહ્યા છે. અહેવાલ અનુસાર, બાળાસાહેબ ઠાકરેના પુત્રવધૂ સ્મિતા ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત બાદ અનેક ચર્ચા જોવા મળી છે અને ખાસ વાત એ છે કે, સ્મિતા શિંદેને મળનારી ઠાકરે પરિવારની પહેલી સદસ્ય છે.
જોકે, સ્મિતા ઠાકરેએ આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવી છે. તેમણે કહ્યું છે કે, એકનાથ શિંદે જૂના શિવસૈનિક છે તેઓ હવે મુખ્યમંત્રી બન્યા છે. તેથી હું તેમને અભિનંદન આપવા માટે આવી છું. તેમણે કહ્યું હતું કે, હું તેમના કામને ઘણા સમયથી જાણું છું.
સ્મિતા શિવસેનામાં બળવા વચ્ચે આ બેઠકના સવાલ પર મૌન રહી. તેમણે કહ્યું હતું કે, મને આ અંગે કોઈ ખબર નથી. સાથએ તેમને કહ્યું કે હું એક સમાજિક કાર્યકર છું અને રાજકારણમાં નથી. તેથી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે તે અંગે મને જાણકારી નથી.
- કોણ છે સ્મિતા ઠાકરે
સ્મિતા ઠાકરે બાળ ઠાકરેના પુત્રવધૂ અને જયદેવ ઠાકરેના પત્ની છે. જયદેવ ઠાકરે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના બીજા પુત્ર હતા. બાળ ઠાકરેના મોટા પુત્ર બિંદુ માધવનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બીજા પુત્ર જયદેવ ઠાકરે છે જ્યારે ત્રીજા પુત્ર ઉદ્ધવ ઠાકરે છે. મળતી માહિતી મુજબ, જયદેવ ઠાકરેએ સ્મિતાને છૂટાછેડા આપી દીધા હતા અને તેઓ અલગ રહેવા લાગ્યા હતા.