Mumbai

ઓસિ. નાગરિકે લગ્ન માટે પરિચય કેળવી મહિલાના 3 કરોડ પડાવ્યા

By GS TEAM
28 Jun 20253 mins read
ઓસિ. નાગરિકે લગ્ન માટે પરિચય કેળવી મહિલાના 3 કરોડ પડાવ્યા

3100થી વધુ મહિલાઓનો સંપર્ક કર્યો, અનેકને ફસાવી હોવાની શંકા 

મહિલાને  છૂટાછેડામાં પાંચ કરોડ ભરણપોષણના મળ્યા હતા તેમાંથી ૩ કરોડ ધુતારો પડાવી ગયોઃ મોતનું નાટક કરતાં શંકા ગઈ

મુંબઈ -  ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના એક ઠગની પુણે પોલીસે લગ્નની વેબસાઈટ પર નકલી પ્રોફાઈલ બનાવી એક મહિલાને લગ્નનું વચન આપીને રૃા.૩.૬ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી છે. મહિલાને તેના પાછલા લગ્નમાંથી ભરણપોષણ તરીકે રૃા. પાંચ કરોડ મળ્યા હતા. આરોપીએ પોતાના મૃત્યુનું નાટક કરતા મહિલાને શંકા ગઈ હતી અને ભાંડો ફૂટી ગયો હતો. આ ઓસિ નાગરિકે ૩૧૦૦થી વધુ મહિલાઓનો  સંપર્ક  કર્યો હતો. આથી બીજી પણ કેટલીય મહિલાઓ તેના દ્વારા ઠગાઈનો ભોગ બની હોવાની શંકા છે. 

પોલીસે અન્ય મહિલાઓને પણ અપીલ કરી હતી કે તેઓ ડૉ.રોહિત ઓબેરોય તરીકે ઓળખાતા ઠગ દ્વારા આવી જ છેતરપિંડીનો શિંકાર  બની હોય તો આગળ આવીને ફરિયાદ નોંધાવે. 

આરોપીનું સાચું નામ અભિષેક શુક્લા છે. તે મૂળ લખનઉનો રહેવાસી છે. પરંતુ તેની પાસે ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ છે. મુંબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) પંકજ દેશમુખે જણાવ્યું હતું કે મૂળ દિલ્હીની અને હાલમાં પુણેમાં રહેતી મહિલાએ જીવનસાથીની શોધમાં મેટ્રોમોનિયલ પોર્ટલ પર પ્રોફાઈલ બનાવી હતી. આરોપી અભિષેકે ૨૦૨૩માં તેનો સંપર્ક કર્યો હતો. તેની સામે મિત્રતા કરી લગ્નનું વચન આપીને તેનો વિશ્વાસ જીતી લીધો હતો.

પુણે અને ભારતમાં અન્ય સ્થળે બંને સાથે રહ્યા હતા. મહિલાને તેના પાછલા લગ્નમાંથી ભરણપોષણ તરીકે રૃા.પાંચ કરોડ મળ્યા હતા. તે બાળકો માટે માઈન્ડકુલનેસ અને આધ્યાત્મિકતા કાર્યક્રમો પર કેન્દ્રિત વ્યવસાય શરૃ કરવાની યોજના બનાવી હતી. મહિલાની આર્થિક સ્થિતિ વિશે જાણીને આરોપી અભિષેકે તેને નકલી વ્યવસાયનો પ્રસ્તાવ આપી લલચાવી હતી. તેઓ વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા અને ભંડોળની વ્યવસ્થા કરવામાં મદદની ખાતરી આપી હતી, એમ દેશમુખે કહ્યું હતું.

શુક્લાએ કથિત રીતે મહિલાનો પરિચય તેના બે સહયોગી હેડાયની અને વિન્સેન્ટ કુઆન સાથે કરાવ્યો હતો. તેઓ કથિત રીતે સિંગાપોરમાં રહેતા હતા. મહિલાને ભારત અને સિંગાપોરમાં વિવિધ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે સમજાવી હતી. થોડા સમય દરમિયાન મહિલાએ રૃા.૩.૬૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

બાદમાં આરોપીએ મોઢાનું કેન્સર થયું હોવાનું જણાવી ધીમે ધીમે મહિલા સાથે સંપર્ક બંધ કરી દીધો હતો.

સપ્ટમ્બર, ૨૦૨૪માં મહિલાનો વિન્સેન્ટ તરફથી એક ઈ-મેલ મળ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું હતું કે ડૉ. રોહિત ઓબેરોયનું મૃત્યુ થયું છે. આથી મહિલાને શંકા ગઈ હતી. તેણે મિત્રને બનાવની જાણ કરી હતી. છેવટે તપાસ કરતા મહિલાને છેતરવામાં આવી હોવાનું માલૂમ પડયું હતું. તેમણે નવેમ્બર, ૨૦૨૪માં પુણે સાયબર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો, એમ એડિશનલ કમિશનર ઓફ પોલીસ દેશમુખે જણાવ્યું હતું.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીનું સાચું નામ અભિષેક શુક્લા હતું. તે ઓસ્ટ્રેલિયાના પર્થનો રહેવાસી હતો. છેતરપિંડીના કેસ નોંધાયા બાદ તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.

સિંગાપોરથી તે મુંબઈ આવી રહ્યો હોવાથી પોલીસે માહિતી મળી હતી. પછી પોલીસે મુંબઈ એરપોર્ટ પર શુક્લાને ઝડપી લીધો હતો.

આરોપીની ડિજિટલ પ્રવૃત્તિના ટેકનિક્લ વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે તેણે મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા ડૉ. રોહિત ઓબેરોય નામની નકલી ઓળખનો ઉપયોગ કરીને લગભગ ૩,૧૯૪ મહિલાઓને મેસેજ કર્યા હતા. એની વધુ તપાસ ચાલી રહી છે. તેણે અન્ય મહિલાઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની શંકા છે.