ઔરંગાબાદ રેલ્વે સ્ટેશનનું નામ છત્રપતિ સંભાજીનગર સ્ટેશન કરાયુંં

શહેરના નામકરણના 3 વર્ષ બાદ પગલું લેવાયું
મુંબઈ - મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર સ્ટેશન કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી કરાવ્યું છે.
એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની તત્કાલીન સરકારે ઔપચારિક રીતે છત્રપતિ સંભાજીનગર નામ આપ્યું તેના લગભગ ત્રણ વર્ષ પછી આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ મોગલ સમ્રાટ ઔરંગઝેબના નામ પરથી નામ આપવામાં આવ્યું હતું.પરંતુ મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના પુત્રને શ્રદ્ધાંજલિ તરીકે આ નામ આપવામાં આવ્યું છે.
મૂળ નામ બદલવાની શરૃઆત પૂર્વ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે કરી હતી.ઔરંગાબાદ રેલ્વે સ્ટેશન ૧૯૦૦ માં ખુલ્યું હતું. તે હૈદરાબાદના ૭મા નિઝામ મીર ઉસ્માન અલી ખાને બનાવ્યું હતું.
કાચેગુડા-મનમાડ રૃટ પર છત્રપતિ સંભાજીનગર સ્ટેશન આવેલું છે . જે સ્ટેશન દક્ષિણ મધ્ય રેલ્વે ઝોનના નાંદેડ વિભાગ હેઠળ આવે છે. તે દેશના મુખ્ય શહેરો સાથે રેલ કનેક્ટિવિટી ધરાવે છે.
છત્રપતિ સંભાજીનગર શહેર એક પર્યટન કેન્દ્ર છે, જે અજંતા અને એલોરા ગુફાઓ સહિત અનેક ઐતિહાસિક સ્મારકોથી ઘેરાયેલું છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. તેને દરવાજાઓનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાંથી દરેકનો સ્થાનિક ઇતિહાસ છે, જે મોગલ યુગ દરમિયાન બંધાયેલ છે, અને બે સ્મારકો બીબી કા મકબરા અને ઔરંગાબાદ ગુફાઓનો સમાવેશ થાય છે .

