512 કરોડના કૌભાંડમાં પનવેલના માજી ધારાસભ્યની મિલ્કતોનું લીલામ

કર્નાલા બેન્ક કેસમાં કોર્ટે મંજૂૂરી આપી
પનવેલમાં આવેલી વિશાળ સ્પોર્ટસ એકેડમી સહિતની મિલ્કતોનો સમાવેશ
મુંબઈ - રાયગઢમાં પનવેલ ખાતે આવેલી સહકારી બેન્કના લેણા ચૂકવવા માટે માજી ધારાસભ્ય વિવેકાનંદ શંકર પાટીલ સાથે સંકળાયેલી મિલકતોની લીલામી કરવાનો મની લોન્ડરિંગ કાયદા હેઠળની વિશેષ કોર્ટે આદેશ આપ્યો છે.
કર્નાલા નાગરી સહકારી બેન્કમાં રૃ.૫૧૨ કરોડથી વધુના કથિત ફ્રોડમાં તપાસ એજન્સીએ જપ્ત કરેલી મિલકતોમાં પનવલેમાં અનેક એકરોમાં આવેલી સ્પોર્ટ્સ એકેડેમી અને જમીનનો સમાવેશ થાય છે.
કેસના મુખ્ય આરોપી પાટીલે પીઝન્ટ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયાના ધારાસભ્ય તરીકે પનવેલનું ત્રણ વાર પ્રતિનિધિત્વ કર્યું હતું અને એક વાર ઉરણથી ધારાભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું.
પાટીલની કેટલીક વારસાઈ મિલકતો સહિત ૮૭ મિલકતોને એમપીઆઈડી કાયદા અથવા મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ નવી મુંબઈ આર્થિક ગુના શાખાએ ટાંચમાં લીધી હતી.
ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહેલી ઈડીએ પણ આમાંની કેટલી મિલકતને ટાંચમાં લીધી છે.
વિશેષ પીએમએલએ જજ નાવેન્ડરે ટાંચમાં લીધેલી મિલકતોને છૂટી કરવાનો આદેશ આપીને બેન્કના લિક્વિડેટરોની અરજીને માન્ય કરી હતી.
લિક્વિડેટરોએ કર્નાલા સ્પોર્ટ્સ એકેડેમી અને જમીનને છૂટી કરવાની દાદ માગી હતી. જેથી ડિપોઝિટરો સહિતના ક્રેડિટરો પ્રત્યેની બેન્કની જવાબદારી નીભાવી શકાય. આરોપી સહિત તમામ પક્ષકારોએ કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.આથી કોર્ટે તાત્કાલિક લીલામી શરૃ કરવાનો આદેશ આપ્યો હતો.








