Get The App

ઓનલાઈન જુગારમાં 50 લાખનું દેવું થઈ જતાં ચોરીના ઈરાદે હુમલો

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઈન જુગારમાં 50 લાખનું દેવું થઈ જતાં ચોરીના ઈરાદે હુમલો 1 - image


અર્નાળામાં વૃદ્ધ દંપતી સહિત ત્રણ પર હુમલાનો ભેદ ઉકેલાયો

પોલીસ ક્યારેય નહિ પકડી શકે તેમ માની નિયમિત કામે જવા લાગ્યો હતોઃ ૫૦૦થી વધુ સીસીટીવી  ફંફોસી  પોલીસે પગેરું દબાવી  ધરપકડ કરી

મુંબઈ -  વિરારના અર્નાળામાં વૃદ્ધ દંપતી તથા તેમની દીકરી પર હુમલાનો ભેદ ઉકેલાયો છે. અર્નાળાના ૨૯ વર્ષના યુવકે ઓનલાઈન  ક્રિકેટના જુગારમાં ૫૦ લાખનું દેવું થઈ ગયા  બાદ પૈસા માટે ચોરી કરવાના ઈરાદે તે આ ઘરમાં ઘૂસ્યા બાદ પ્રતિકાર તથાં હુમલો કર્યાનું બહાર આવ્યું છે ક્રાઈમ  બ્રાન્ચ  દ્વારા આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. 

 વિરાર-વેસ્ટના અર્નાળા બંદરપાડા ગામમાં રહેતા ગોવારી પરિવાર પર સોમવારે સવારે ૩ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. આમાં જગન્નાથ ગોવારી (૭૬), લીલા ગોવારી (૭૨) અને નેત્રા ગોવારી (૫૨) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હુમલાખોરે હૂડી પહેરી હતી અને તેણે પોતાનો ચહેરો ઢાંક્યો હતો. જેના કારણે તેની ઓળખ થઈ શકી ન હોતી. ગોવારીના ઘરની બહાર કોઈ સીસીટીવી કેમેરા નહોતા. આરોપી હુમલો કરનાર પાણીની ટાંકી ધરાવતા વિસ્તારમાંથી ભાગી ગયો હતો અને અન્ય સીસીટીવી કેમેરામાં તે દેખાયો ન હતો. ત્યાર બાદ પોલીસે સીસીટીવી ચેક કરીને તે કયા રસ્તે ગયો તે શોધી કાઢયું હતું. એક કેમેરામાં હૂડી પહેરેલો એક વ્યક્તિ દેખાયો હતો. ત્યાર બાદ ૫૦૦ થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. તેણે વિરાર સ્ટેશન પર એક બાઇક પાર્ક કરી હતી. તે બાઇકના આધારે પોલીસે તપાસ કરીને ૨૯ વર્ષીય દિપેશ અશોક નાઈકની ધરપકડ કરી હતી.  તે મુંબઈમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. તે અગાઉ મહારાષ્ટ્ર સુરક્ષા દળમાં કામ કરતો હતો.

 દિપેશને ખબર પડી હતી કે  ગોવારી પરિવારમાં બે વૃદ્ધ લોકો રહે છે અને તેમની પાસે ઘણા બધા ઘરેણાં છે. રવિવારે, તે બપોરે ૩ વાગ્યે કામ પર ગયો હતો. પરંતુ તેણે પરિવારને જાણ કરી કે તે ડબલ ડયુટી પર કામ કરતો હોવાથી ઘરે નહીં આવે. તે રાત્રે ૧૦ વાગ્યે વિરાર પહોંચ્યો. તેણે હૂડી અને ચહેરા પર માસ્ક પહેર્યો હતો. તેણે ગામથી ૪ કિમી દૂર પોતાનું બાઇક પાર્ક કર્યું અને પાછળથી ગોવારી પરિવારના બંગલામાં પ્રવેશ કર્યો હતો. તેનો ઇરાદો ચોરી કરવાનો હતો. પરંતુ, નેત્રા ગોવારીએ ઊંઘમાં ટર્ન માર્યો હતો. તેઓ જાગી ગઈ છે એમ વિચારીને, આરોપી દિપેશે તેના પર કોયતાથી હુમલો કર્યો હતો. તે પછી, જ્યારે ગોવારી દંપતી જાગ્યું, ત્યારે તેણે તેમના પર પણ હુમલો કર્યો, એમ પોલીસે જણાવ્યું હતું. ઘટના પછી પણ, તે નિયમિત રીતે કામ પર જતો હતો. તેણે વિચાર્યું કે પોલીસ તેને પકડી શકશે નહીં.

 ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) સંદીપ ડોઈફોડેના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ સેલ ૩ ના પોલીસ ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવારે સહિતની ટીમે આ યુવકને શોધી કાઢ્યો  હતો.


Tags :