જોકે, દિલ્હી વિસ્ફોટોની તપાસ સાથે સીધો સંબંધ નહિ
એન્જિનિયર ઝુબેરે મુમ્બ્રામાં શિક્ષકના ઘરે મીટિંગ યોજી હતીઃ ફોનમાં આંતરરાષ્ટ્રીય નંબરો સેવ કરેલા મળ્યા હતા
એટીએસએ સ્પષ્ટતા કરી હતી કે સોમવારે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ સાથે આ સર્ચ ઓપરેશનનો કોઇ સંબંધ નથી. પરંતુ કાર્યવાહીના ભાગરૂપે દેશની રાજધાનીમાં બનેલી ઘટના સામે મહારાષ્ટ્રના કોઇ સંબંધ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ધરપકડ કરાયેલા પુણેના સોફટવેર એન્જિનિયર ઝુબેર હંગરગેકર (ઉ.વ.૩૨) દ્વારા થાણે જિલ્લાના મુમ્બ્રા ખાતે શિક્ષકના ઘરનો ઉપયોગ એક મીટિંગ માટે કરવામાં આવ્યો હતો.
એટીએસએ ૨૭ ઓકટોબરની ઝુબેરને અલકાયદા અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથેના કથિત સંબંધો અને કટ્ટરમાંથી પ્રવૃતિઓમાં તેની શંકાસ્પદ સંડોવણી બદલ ધરપકડ કરી હતી. તેના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરાતા વાંધાજનક સામગ્રી અને અન્ય ગુનાહિત દસ્તાવેજો મળ્યા હતા.
એટીએસને તેના જૂના ફોનમાં સેવ કરેલો એક પાકિસ્તાની સંપર્ક નંબર મળ્યો હતો. બાદમાં એટીએસને જાણવા મળ્યું હતું કે ઝુબેર તેમની એક મીટિંગ માટે મુમ્બ્રામાં આવ્યો હતો.
આથી એટીએસના અધિકારીઓએ મંગળવારે શિક્ષકના ઘરે દરોડો પાડી તેની ઝુબેર સાથેની મુલાકાત વિશે પૂછપરછ કરી હતી.
શિક્ષક આ કેસમાં આરોપી કે સાક્ષી નથી અમે પુણેના કોંઢવા અને મુમ્બ્રામાં બે વ્યક્તિની પરિસરમાં તપાસ અને તેમની પૂછપરછ કરી હતી. ઝુબેર અને દિલ્હી વિસ્ફોટ વચ્ચે કોઇ સંબંધ નથી, એમ અધિકારીએ કહ્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં એટીએસએ પુણેની એક કોર્ટમાં જણાવ્યું હતું કે ઝુબેર કથિત રીતે કોંઢવા વિસ્તારમાં આક્રમક રીતે ધાર્મિક પ્રવચનો આપતો હતો. તેના ઘરની તપાસ દરમિયાન એટીએસએ અલકાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એન્ડ ઓલ ઇટ્સ મેનિફેસ્ટેશન્સ શીર્ષકવાળી ડિલીટ કરેલી પીડીએફ ફાઇલો ધરાવતો મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો.
તેમણે ઇદ-ઉલ-ફિત્ર પર અલકાયદાના ઠાર કરાયેલા વડા ઓસામા બિન લાદેન દ્વારા આપવામાં આવેલા ભાષણનું ઉર્દૂ અનુવાદ પણ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ઇન્સ્પાયર નામનું મેગેઝિન મળી આવ્યું હતું. જેમાં ઓએસજી ગન સ્કૂલમાં એકે-૪૭ તાલીમના ફોટોગ્રાફ્સ અને ઓએસજી બોમ્બ સ્કૂલમાંથી એસીટોન પેરોક્સાઇડનો ઉપયોગ કરીને આઇઇડી બનાવવાની વિગતો આપતા દસ્તાવેજો હતા, એમ કોર્ટને જણાવ્યું હતું.
એટીએસે એમ પણ કહ્યું હતું કે દરોડા દરમિયાન એક વ્યક્તિ પાસેથી હંગરગેકરના જૂનો ફોન મળી આવ્યો હતો.
ફોનનાં સંપર્ક યાદીમાં વિશ્લેષણ દરમિયાન પાંચ આંતરરાષ્ટ્રીય ફોન નંબર મળી આવ્યા હતા. જેમાં પાકિસ્તાનનો એક, સાઉદી અરેબિયાના બે અને કુવૈત અને ઓમાનનો એક-એક નંબરનો સમાવેશ હતો. જોકે ફોનના કોલ ડિટેઇલ રેકોર્ડમાં આ સેવ કરેલા નંબરો પર કોઇ કોલ જોવા મળ્યો ન હોતા, એમ એટીએસે જણાવ્યું હતું.
એટીએસએ તાજેતરમાં આઇએસઆઇએસ મોડયુલ સંબંધિત કેસમાં કોંઢવા, વાનવડી, ખડકી સહિત પુણેમાં વિવિધ ભાગોમાં દરોડા પાડયા હતા આ મામલામાં શંકાના આધારે ૧૮ લોકોને તાબામાં લેવામાં આવ્યા હતા. આની તપાસ દરમિયાન ઝુબેરની સંડોવણીની જાણ થઇ હતી.


