કાશ્મીર એટેકને પગલે આતીફ અસ્લમનું ગીત પાછું ખેંચી લેવાયું
Updated: Sep 18th, 2023
પાકિસ્તાન સિંગરને પ્લેટફોર્મ આપવા સામ વિરોધ થતાં નિર્ણય
સૂરજ પંચોલીની માઠી દશાઃ માંડ એક વીડિયો સોંગ રીલીઝ થયું હતું તે પણ વિવાદને લીધે પાછું ખેંચી લેવાતાં કેરિયરને ફટકો
મુંબઇ : કિશોર કુમારનાં આઈકોનિક ગીત 'જાને જાં...'નો મ્યુઝિક વીડિયો તાજેતરમાં રીલીઝ થયો હતો. તેમાં આ ગીત આતીફ અસ્લમે ગાયું હતું. જોકે, તાજેતરમાં કાશ્મીરમાં ભારતીય સલામતી દળો પર આતંકી હુમલાને પગલે આતીફ અસ્લમને ભારતીય કંપનીઓ દ્વારા પ્લેટફોર્મ આપવાનો વિરોધ થતાં આ વીડિયો સોંગના નિર્માતાઓએ આ ગીત પાછું ખેંચી લીધું છે.
આ ગીત હજુ ગઈ તા. ૧૨મીએ જ રીલીઝ થયું હતું. તે સાથે જ તેની સામે વાંધાવિરોધ શરુ થઈ ગયો હતો. પુલવામા એટેક પછી પાકિસ્તાની કલાકારો તથા સંગીતકારોનો બોલીવૂડમાં બહિષ્કાર કરી દેવાયો છે. પરંતુ, આ ગીત આતીફ અસ્લમ પાસે ગવડાવવામાં આવતાં હોબાળો શરુ થઈ ગયો હતો. મુંબઈ ભાજપના સ્થાનિક નેતાઓએ આ મુદ્દે સાંતાક્રુઝ પોલીસ મથકે અરજી પણ કરી હતી.
ડીજી ચિતાહ દ્વારા આ ગીત રિક્રેએટ કરવામાં આવ્યું છે. તેમાં આતીફ અસ્લમ તથા અસીસ કૌરે કંઠ આપ્યો છે. આ ગીત સૂરજ પંચોલી તથા નિમરત અહલુવાલિયા પર પિક્ચરાઈઝ કરવામાં આવ્યું છે.
જોકે, વિરોધ વધતાં નિર્માતાઓએ આ ગીત પાછું ખેંચી લીધું છે. તેના કારણે સૂરજ પંચોલીન વધુ એક ફટકો પડયો છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં છૂટકારા બાદ સૂરજ પંચોલી પોતાની કેરિયર ટ્રેક પર આવે તેવા ભરચક પ્રયાસો કરી રહ્યો છે. જોકે, તેની પાસે આવાં એકલદોકલ વીડિયો સોંગ સિવાય ખાસ કોઈ મોટો પ્રોજેક્ટ છે નહીં. હવે આ સોંગ પણ પાછું ખેંચી લેવાતાં સૂરજની બધી ગણતરીઓ ઊંધી વળી ગઈ છે. તેેને એમ હતું કે જિયા ખાન કેસમાં છૂટકારા પછી તેના પર ઓફરોનો વરસાદ થશે પરંતુ હવે બોલીવૂડમા ંકોઈ નિર્માતા તેના પર દાવ ખેલવા તૈયાર નથી.