Get The App

નેતાઓનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત બળાત્કાર કેસમાં ઝડપાયોઃ 58 વિડીયો મળ્યા

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
નેતાઓનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત બળાત્કાર કેસમાં ઝડપાયોઃ 58 વિડીયો મળ્યા 1 - image

ખરાતના ક્લાયન્ટ લિસ્ટમાં અનેક નેતા, સેલિબ્રિટીઓ

ખરાતે એક મહિલાને નશીલું પીણું પીવડાવી તથા મંત્રતંત્રની ધમકીઓ આપી  ૩ વર્ષ સુધી વારંવાર બળાત્કાર ગુજાર્યો

ખારત સિન્નરનાં ઈશાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો અધ્યક્ષઃ શિંદે સહિતના નેતાઓ સાથેની તસવીરો વાયરલ થઈ

મુંબઈ -        મહારાષ્ટ્રના નાસિકમાં એક  મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયા બાદ અનેક રાજકીય નેતાઓ તથા સેલિબ્રિટીેના હાઈ પ્રોફાઈલ જ્યોતિષી બની ગયેલા અને પોતાને કેપ્ટન તરીકે ઓળખાવતા અશોક  ખરાતની સતત ત્રણ વર્ષ  સુધી એક મહિલા પર બળાત્કાર માટે ધરપકડ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખરાતના ક્લાયન્ટના લિસ્ટમાં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિતના નેતાઓ સામેલ હોવાનું કહેવાય છે. ખરાતની પેનડ્રાઈવમાંથી ૫૮ વિડીયો મળ્યા છે તેમાં કેટલીક  વાંધાજનક  ક્લિપ્સ હોવાનું પણ કહેવાય છે. ખુદ રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષ રુપાલી ચાકણકર પણ ખરાતના નિકટનાં પરિચિત હોવાનું કહેવાઈ રહ્યું છે. ખરાતના અનેક રાજકીય નેતાઓ સાથેના વિડીયો તથા તસવીરો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતાં. 

નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના મીરગાંવ ખાતે શ્રી ઈશાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ ખરાતે  નવેમ્બર,૨૦૨૨ અને ડિસેમ્બર, ૨૦૨૫ વચ્ચે ૩૫ વર્ષીય ફરિયાદી પર કથિત રીતે અનેકવાર બળાત્કાર કર્યો હતો.

     એફઆઈઆરનો ઉલ્લેખ કરતા પોલીસે જણાવ્યું હતું કે ખરાત મહિલાને નાસિકના પોશ  કેનેડા કોર્નર વિસ્તારમાં આવેલી તેની ઓફિસમાં બોલાવતો હતો.તે આગાહીઓ કરતો કે  પીડિતાના પતિનો  જીવ જોખમમાં છે.પછી આ કહેવાતો જ્યોતિષ કથિત રીતે મહિલાને નશીલું પીણું આપતો અને તેના પર બળાત્કાર કરતો હતો. 

 અધિકારીએ  જણાવ્યું હતું કે ખરાતે કથિત રીતે ભવિષ્યવાણીઓ અને ધમકીઓથી   મહિલાને ડરાવી હતી.

ખરાત પર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકી સંબંધિત ભારતીય ન્યાય સંહિતા કલમો તેમજ  અન્ય અમાનવીય, દુષ્ટ અને અઘોરી પ્રથાઓ અને કાળા જાદુ સંબધિત એક્ટ  હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ખરાત જ્યોતિષી હોવાનો દાવો કરી દોરાધાગા તથા મંત્રતંત્ર પર કરતો હોવાનું કહેવાય છે. 

આ કેસ અંગે વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું ત્યારે ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે કડક કાર્યવાહીનું વચન આપ્યું અને ખરાત વિરુદ્ધ ફરિયાદ ધરાવતી મહિલાઓને સુરક્ષા આપવાની ખાતરી આપી હતી.

 મંત્રી કદમે આ કેસમાં કડક કાર્યવાહીનું વચન આપતા  વિધાન ભવન પરિસરમાં પત્રકારોને જણાવ્યું કે હું બધી પીડિત  મહિલાઓને અપીલ કરું છું જેમને ખરાત વિરુદ્ધ ફરિયાદ હોય તો તેઓ આગળ આવે. અમે તેમને સંરક્ષણ પૂરું પાડીશું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરીશું. આ મામલાનું રાજકારણ ન થવું જોઈએ. મહિલાઓની સુરક્ષા  માટે તમામ જરૃરી પગલાં લેવામાં આવશે.  

કદમે એમ પણ કહ્યું કે અધિકારીઓ તપાસ કરશે કે ખરાત જ્યોતિષની આડમાં અંધશ્રદ્ધાળુ કે ગેરકાયદેસર પ્રથાઓમાં સંડોવાયેલા હતા કે નહીં.આપણે એ તપાસવાની જરૃર છે કે તે ફક્ત જ્યોતિષીય સેવાઓ આપી રહ્યો હતો કે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો હતો. જો કોઈ ખોટું કામ જોવા મળશે તો તેની પણ તપાસ કરવામાં આવશે.

         

શિંદેએ ખરાત પાસે  પોતાનું ભવિષ્ય જોવડાવ્યું હતું

ભૂતકાળમાં ઘણા રાજકારણીઓ અને જાણીતા વ્યક્તિઓ જ્યોતિષીની મુલાકાતે ગયા હતા.

      મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, તેમના કેબિનેટ સાથીદારો રાધાકૃષ્ણ વિખે પાટીલ અને દીપક કેસરકર સાથે નવેમ્બર ૨૦૨૨માં  મીરગાંવ મંદિરમાં ખરાતને મળ્યા હતા. રૃપાલી ચાકણકરે પણ તેમની મુલાકાત લીધી હતી. શિંદે ખરાત સાથે બેઠા હોય અને કોઈ વિધિ કરાવતા હોય તેવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. 

    

ખરાતની ઓફિસમાં હની ટ્રેપની શંકા

ખરાતે તેની ઓફિસમાં સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા. અહીં તેણે પોતાના મુલાકાતીઓની જાણ બહાર કેટલાય વિડીયો ઉતાર્યા છે. તે નેતાઓ સહિતના સેલિબ્રિટી ક્લાયન્ટને હની ટ્રેપમાં ફસાવતો હતો કે કેમ તે અંગે પણ શંકાઓ વ્યક્ત થઈ રહી છે. 

ખરાત પાસે પોર્ન ક્લિપ્સ ઉપરાંત નેતાઓ સાથેના વિડીયો  મળ્યા

 પોલીસના જણાવ્યા અનુસાર  ખરાત પાસેથી પેનડ્રાઈવમાં  ૫૮ વિડીયો ક્લિપ્સ મળી આવી છે.પરંતુ એમાંથી કેટલીક વાંધાજનક છે. પેનડ્રાઈવમાં રહેલા અન્ય ઘણા વિડીયોમાં ખરાતની રાજકારણીઓ અને અગ્રણી વ્યક્તિઓ સાથેની વાતચીત દર્શાવવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

પૂછપરછ દરમિયાન વધુ વિગતો બહાર  આવવાની સંભાવના છે.