Mumbai

હવેથી અનધિકૃત બાંધકામો માટે આસિસ્ટન્ટ કમિશનરો જવાબદાર

By GS TEAM
14 Sep 20251 min read
હવેથી અનધિકૃત બાંધકામો માટે આસિસ્ટન્ટ કમિશનરો જવાબદાર

વસઈ-વિરાર પાલિકાની કાર્યવાહી શરૃ

મહાપાલિકા કમિશનર દ્વારા અપાયેલા આદેશથી અધિકારીઓમાં હલચલ

મુંબઈ -  વસઈ-વિરાર મહાનગરપાલિકાએ વસઈ-વિરારમાં અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી શરૃ કરી દીધી છે. કમિશનરે જાહેરાત કરી છે કે જો અનધિકૃત બાંધકામો મળી આવશે તો સંબંધિત વિભાગના આસિસ્ટન્ટ કમિશનરો સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના કારણે અધિકારીઓ હચમચી ગયા છે.

વિરારમાં રમાબાઈ અપાર્ટમેન્ટ બિલ્ડિંગ દુર્ઘટના બાદ અનધિકૃત ઇમારતોનો મુદ્દો સામે આવ્યો છે. કમિશનર મનોજ કુમાર સૂર્યવંશે તમામ અધિકારીઓને અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જો કે, અધિકારીઓ કાર્યવાહી માટે સૂચનાઓ આપવા છતાં કાર્યવાહી કરી રહ્યા ન હોવાનું જોવા મળ્યું હતું. આ સંદર્ભે આસિસ્ટન્ટ કમિશનર ગણેશ પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ ફરિયાદ મળશે તો કોઈને છોડવામાં આવશે નહીં.

એવી ફરિયાદ કરવામાં આવી છે કે, વારંવાર ફરિયાદો છતાં અનધિકૃત બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી એથી  ગણેશ પાટીલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોર્ડમાં એન્જિનિયર અને આસિસ્ટન્ટ કમિશનરો અનધિકૃત બાંધકામોથી વાકેફ હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી, કમિશનરે કહ્યું કે જો ભવિષ્યમાં કોઈ અનધિકૃત બાંધકામ જોવા મળશે તો આસિસ્ટન્ટ કમિશનરને સસ્પેન્ડ કરવામાં આવશે.