એસેસમેન્ટ ટેસ્ટનું પેપર યુ ટયુબ ચેનલો દ્વારા લીક

3 યૂટયુબ ચેનલ પર જવાબો પ્રસારિત
સ્કૂલોને સીલબંધ મોકલવામાં આવેલું પેપર યૂટયુબરો પાસે કેવી રીતે પહોંચ્યું ? પોલીસ તપાસ શરુ
મુંબઈ - રાજ્યની ધો. ૩થી ૯ની સ્કૂલોના વિદ્યાર્થીઓના પિરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ ( પેટ)નું પેપર ફૂટી ગયું હતું અને તેના જવાબો યુ ટયુબ ચેનલ પર પ્રસારિત કરી દેવાયા હતા. આ પ્રકરણે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઈઆરટી) એ ત્રણ ટૂટયુબ ચેનલ સામે પુણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
પ્રાથમિક તપાસમાં 'કૈલાસન સર મેથ્સ', 'એમ મરાઠી' અને 'એસ.જે.ટયુશન ક્લાસેસ' આ ત્રણ યુટયુબ ચેનલના નામ સામે આવ્યા છે. આ પેપર સીલબંધ પેકેટમાં સ્કૂલોને મોકલવામાં આવતાં હોય છે, છતાં વારેવારે કઈ રીતે યૂટયુબરોના હાથમાં લાગી જાય છે, તેનો પ્રશ્ન ફરી ઉઠયો છે.
રાજ્ય સરકારના આદેશાનુસાર ૬ થી ૮ ઑગસ્ટ દરમ્યાન રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માટ પેટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રજા આવતાં કેટલીક સ્કૂલોએ શાળા ચાલુ રાખીને પણ પરીક્ષા લીધી હતી તો કેટલીક શાળા સોમવારે આ પરીક્ષા લેશે. પરંતુ છઠ્ઠી ઑગસ્ટે પરીક્ષા દરમ્યાન જ કેટલીક યૂટયુબ ચેનલ પર સાતમાનું મરાઠીનું અને પાંચમા તથા આઠમાનું ગણિતનું પેપર જવાબ સાથે પ્રસારિત થયું હતું. આ ચેનલે કાઉન્સિલની કોઈપણ પરવાનગી લીધા વિના આ કર્યું હતું. આથી સરકારી આદેશનો ભંગ થયો છે. તેથી ત્રણેય યૂટયુબ ચેનલ સામે ગુનો નોંધાયો છે.








