117 કરોડની બેન્ક છેતરપિંડીના કેસમાં અશોક થેપડેની ઈડી દ્વારા ધરપકડ

બે મહિનાથી નાસતો ફરતો હતો, ફાઈવ સ્ટાર હોટલમાંથી પકડાયો
સમાન મિલ્કતો એકથી વધુ બેન્કને ત્યાં ગિરવે મૂકી છેતરપિંડી ઃ ૫૦ બેન્ક ખાતાં ફ્રિઝઃ ૨.૩૩ કરોડનું સોનું, સાડા નવ લાખ રોકડા જપ્ત
મુંબઈ - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મુંબઈ ડિવિઝને અમિત અશોક થેપડેની રૃ.૧૧૭ કરોડના બેંક છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. કેનેરા બેંક સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
થેપડે લાંબા સમયથી ઈડીથી બચી રહ્યો હતો.અંતે ઈડીને માહિતી મળી કે તે છેલ્લા બે મહિનાથી દક્ષિણ મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાયો હતો.આ માહિતીના આધારે ઈડીએ આખરે તેની ધરપકડ કરી હતી.
આ કેસમાં ઈડીએ માહિતીના આધારે હોટલ પર દરોડા પાડયા હતા. આ કેસમાં ઈડીએ ૫૦થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા, સાડા નવ લાખ રૃપિયાની રોકડ, રૃ.૨.૩૩ કરોડનું સોનું, દાગીના અને હીરા જડિત ઘરેણાં, બે વાહનો અને નાણાકીય વ્યવહારોના પુરાવા ધરાવતા ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.સ્પેશિયલ પીએમએલએ કોર્ટે થેપડેને પાંચ દિવસની ઈડીની કસ્ટડી આપી હતી.ઈડી આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના એન્ટી કરપશન બ્યુરોએ ગેલેક્સી કન્સ્ટ્રક્શન એન્ડ કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને મિત્સોમ એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડ સામે કેસ નોંધ્યા હતા. આ બંને કંપનીઓ થેપડેની માલિકીની છે અને તેણે કેનેરા બેંકમાંથી લોન મેળવવા માટે વિવિધ સ્થાવર મિલકતો ગીરવે મૂકી હતી. જોકે, તપાસ મુજબ એવું જાણવા મળ્યું કે મિલકતો પહેલાથી જ ઘણી જગ્યાએ ગીરવે મુકાઈ અથવા વેચાઈ ગઈ હતી. આ રીતે આરોપી પર બેંક સાથે ૧૧૭ કરોડ છ લાખ રૃપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
તપાસ મુજબ આરોપીએ લોનની રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હતો.આ ઉપરાંત ઈડીએ આ મામલાની વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અમિત થેપડેએ ગેરકાયદેસરરીતે મેળવેલા ભંડોળનું રોકાણ કર્યું છે.તેણે વિવિધ સ્થળોએ પૈસાનું રોકાણ કરવા અને તેને વ્યવહારમાં લાવવા માટે ઘણા ગેરકાયદેસર વ્યવહારો કર્યા છે.ઈડીને તે વ્યવહારોના નેટવર્ક વિશે માહિતી મળી છે અને નિષ્ણાતોની મદદથી તેની તપાસ કરી રહી છે.આરોપીએ ગેરકાયદેસરરીતે કમાયેલઈ રકમને મિલકતોમાં રોકાણ કરીને કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો છે.
આ કેસમાં ઈડી દ્વારા હાથ ધરવામાં આવેલી નાણાકીય તપાસ અને ચકાસણીમાં જાણવા મળ્યું કે આરોપીએ ઘણા શંકાસ્પદ વ્યવહારો કર્યા હતા. તેથી તેની ધરપકડ કરવી જરૃરી હતી. પરંતુ આરોપી ઈડીના આદેશોને ટાળી રહ્યો હતો. આખરે બે મહિના પછી તેની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી હાલમાં ઈડી કસ્ટડીમાં છે.ઈડી આ મામલાની વધુ તપાસ કરી રહી છે.









