Get The App

ગાતાં ગાતાં મૃત્યુ આવે તેવી આશા ભોસલેની ઈચ્છા હતી

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
ગાતાં ગાતાં મૃત્યુ આવે તેવી આશા ભોસલેની ઈચ્છા હતી 1 - image

મુંબઇ -  જીવનના છેલ્લાં શ્વાસ સુધી ગાતા રહેલા આશા ભોસલેએ છેલ્લે એક પોડકાસ્ટમાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે મેં સંપૂર્ણ આયુષ્ય સંગીતને અર્પણ કર્યું છે, ફિલ્મોમાં છેલ્લાં આઠ દાયકાથી ગાઉં છું એટલે જો ગાતા ગાતા મૃત્યુ આવશે તો મને ખૂબ આનંદ થશે.

એક-બે ફિલ્મોમાં અભિનય કર્યો હતો

ફિલ્મોમાં અગણિત અભિનેત્રીઓ માટે પ્લેબેક આપી ચૂકેલા આશા ભોસલેએ પોતે એક- બે ફિલ્મોમાં અભિનય પણ કરેલો. ૧૯૭૮માં આવેલી અમોલ પાલેકરની 'ટેક્સી ટેક્સી' ફિલ્મમાં 'લાયી કહાં હૈ ઝિંદગી' ગીતમાં તેમણે અભિનય કર્યો હતો. 'માઇ' ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવેલી.

૪૦૦ ગુજરાતી ગીતો ગાયેલા

આશા ભોસલેએ ૨૦થી વધુ ભાષામાં ૧૩૦૦૦ ગીતો ગાયા હતા. તેમાંથી ગુજરાતીમાં ૪૦૦ ગીતો ગાયા હતા. તેમના માતા શેવંતીમાઇ ગુજરાતી હતા, એટલે કહેતા ગુજરાતી એ મારી માતાની ભાષા એટલે માતૃભાષા છે. તેમણે હિંદીમાં ૮૫૦૦ ગીતો ગાયેલા, મરાઠીમાં ૧૫૦૦ અને બંગાળીમાં ૪૦૦ ગીતોને કંઠ આપ્યો હતો.

આશા નાનપણથી જ બહુ ભરાડી હતી

આશા ભોસલેના બહેન અને ગાયિકા મીના પડીકરે જૂની યાદો મમળાવતા કહ્યું હતું કે આશા નાનપણથી જ બહુ ભરાડી હતી. ટેણિયામેણિયા તેમાંથી ગભરાતા, પણ આશા કોઇનાથી ડરતી નહોતી. તે માત્ર અમારી માઇ (માતા)થી જ ડરતી અને તેનું કહ્યું કરતી હતી. તે હંમેશા કહેતી કે જીવનમાં મારી રીતે કંઇક કરી દેખાડીશ. ખરેખર તેણે મોટી બહેન લતાદીદીની નકલ કરવાને બદલે પોતાની આગવી શૈલી વિકસાવી નામના મેળવી.