18 વર્ષે અરુણ ગવળી જેલમાંથી મુક્ત થઈ મુંબઈમાં

2007 ના હત્યા કેસમાં સુપ્રીમ કાર્ટે જામીન આપ્યા
પરિવારના સભ્યો, અને સમર્થકો દ્વારા તેનું સ્વાગત
મુંબઈ - સુપ્રીમ કોર્ટે તેમને ૨૦૦૭ના હત્યા કેસમાં જામીન આપતાં ૧૮ વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળી બુધવારે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી છૂટકારો મળ્યો છે. નાગપુરથી આજે મોડી સાંજની ફલાઈટ દ્વારા ગવળીનું મુંબઈમાં આગમન થયું હતું.
મુંબઈ શિવસેનાના કોર્પોરેટર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ૭૬ વર્ષી ગવળીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જસ્ટિસ એમએમ સુંદરેશ અને એન કોટીશ્વર સિંહની બેન્ચે નોંધ્યું હતું કે ગવળી ૧૮ વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેની અપીલ તેની સમક્ષ પેન્ડિંગ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેલ વિભાગની તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, ગવળીનો બપોરે ૧૨.૩૦ વાગ્યે જેલમાંથી છૂટકારો થયો હતો.
તેના પરિવારના સભ્યો, વકીલ અને સમર્થકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગવળી પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ)ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ગવળીને ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતો અને નિયમોને આધીન જામીન આપ્યા હતા.
ગવળીએ ૯ ડિસેમ્બર,૨૦૧૯ના રોજ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો, જેમાં ટ્રાયલ કોર્ટે આપેલી આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું.
ભાયખલાના દગડી ચાલથી પ્રખ્યાત થયા બાદ અખિલ ભારતીય સેનાના સ્થાપીત કરી છે. ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી મુંબઈના ચિંચપોકલી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે વરણી થઈ હતી.
ઓગસ્ટ ૨૦૧૨માં મુંબઈની એક સેશન્સ કોર્ટે તેમને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને ૧૭ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યોે હતો.








