મેન્ગ્રોવ્ઝના નાશથી મુંબઈના સમુદ્ર કાંઠાનું કુદરતી કવચ છિનવાશે
શહેરના પર્યાવરણપ્રેમીઓએ વડા પ્રધાનને સૂચિત પ્રોજેક્ટની સમીક્ષા કરવાની અપીલ કરી
મુંબઇ - મુંબઇના કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આગળ વધારવા માટે લગભગ ૪૫ હજારથી વધુ મેનગ્રોવ્ઝની કતલ થવાની સંભાવના છે તેની સામે પર્યાવરણપ્રેમીઓએ લાલબત્તી ધરી છે. મેનગ્રોવ્ઝ (સુંદરવન) મુંબઇના દરિયા કિનારા વિસ્તાર માટે કવચ સમાન છે. આ કવચ નાશ પામશે તો મુંબઇ સામે ગંભીર ખતરો ઉભો થશે એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દે ઉત્તર ભારતમાં અરવલ્લી પર્વતમાળાના ખનન સામે થયું હતું તેવું આંદોલન થવાની શક્યતા વર્તાઈ રહી છે.
અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે એવી જ રીતે મુંબઇમાં મેનગ્રોવ્ઝને બચાવવા માટે પર્યાવરણપ્રેમીઓએ સંગઠીત થઇને ઝુંબેશ ઉપાડી છે. મુંબઇને કિનારે દરિયાની સપાટી વધી રહી હોવાના ઝળુંબતા જોખમ વચ્ચે જો હજારોની સંખ્યામાં મેનગ્રોવ્ઝનું નિકંદન કાઢવામાં આવશે તો શહેરની આબોહવા પર માઠી અસર થશે અને પર્યાવરણને ભારે જફા પહોંચશે એવી ચેતવણી ઉચ્ચારવાની સાથે પર્યાવરણપ્રેમીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રોજેક્ટની સમીક્ષા કરવાની અપીલ કરી છે.
મેનગ્રોવ્ઝ અને જૈવવૈવિધ્યના સંવર્ધન તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે એ બાબતમાં તેમની તારીફ કરતા નેટકનેક્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર બી.એન. કુમારે જણાવ્યું હતું કે અરવલ્લી બચાવ ઝુંબેશ જેવી મેનગ્રોવ્ઝ ઝુંબેશ મુંબઇમાં શરૃ કરવામાં આવી છે. વડા પ્રધાન જ્યારે મેનગ્રોવ્ઝના સંવર્ધનની અને જતનની વાત કરે છે ત્યારે બીજી તરફ કોસ્ટલ રોડ માટે ૪૫ હજાર મેનગ્રોવ્ઝનું નિકંદન કાઢવાની યોજના કેન્દ્ર, રાજ્ય, મુંબઇમાં સત્તા ધરાવતી ટ્રીપલ એન્જિન સરકાર મેનગ્રોવ્ઝનું મહત્વ ઓછું આકતી હોય એવું લાગે છે.
પર્યાવરણવાદીઓએ જણાવ્યું હતું કે મુંબઇ મહાપાલિકાએ કલાઇમેટ પ્લાનિંગ ફ્રેમવર્ક તૈયાર કરતી વખતે સ્વીકાર્યું છે કે શહેરની આબોહવા અને પર્યાવરણની રક્ષા માટે મેનગ્રોવ્ઝ બહુ જ જરૃરી છે, જ્યારે બીજી તરફ એ જ મહાપાલિકા કોસ્ટલ રોડને આગળ વધારવા માટે ૪૫ હજાર મેનગ્રોવ્ઝની કતલ કરવા માટે ટાંપીને બેઠી છે, આ કેવો વિરોધાભાસ કહેવાય ? મેનગ્રોવ્ઝ તો આ શહેરને માટે ફેફસાં અને સુરક્ષા કવચની ગરજ સારે છે. એ મેનગ્રોવ્ઝનો ખાતમો બોલાવવાથી મુંબઇ મહાનગર સામે કેટલું ગંભીર પર્યાવરણીય જોખમ ઉભું થશે તેનો કેમ સત્તાધીશો વિચાર નથી કરતાં ? એવો આ પર્યાવરણ પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે.


