એપ આધારિત કેબને કાલીપીલીના દરો લાગુ પડાતાં મોંઘી બનશે

પ્રવાસીઓએ કિમી દીઠ પાંચ રુપિયા વધુ આપવા પડશે
એપ આધારિત રિક્ષા અને કેબ માટે અલાયદું સ્ટ્રકચર લાગુ ન થાય ત્યાં સુધીમાં કાલીપીલીના દરોને અનુસરવા આદેશ
મુંબઈ - મુંબઈ મેટ્રો પોલિટન રિજિયનમાં એપ આધારિત ખાનગી રિક્ષાઓ તથા કેબ એગ્રીગેટર્સને તેમના માટે અલાયદું રેટ સ્ટ્રક્ચર નક્કી ન થાય ત્યાં સુધી મુંબઈમાં દોડતી કાલીપીલી ટેક્સીઓનાં રેટ સ્ટ્રકચરને અનુસરવાનો આદેશ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી દ્વારા અપાયો છે. કાલીપીલીની સરખામણીએ એપ આધારિત કેબ સેવાઓનું ભાડું ઓછું હતું. હવે આ નિર્ણયના આધારે પ્રવાસીઓએ કિમી દીઠ પાંચ રુપિયા વધારે ચૂકવવા પડશે.
એપ આધારિત એગ્રીગેટર્સ ઉબર, ઓલા તથા રેપિડોને ગઈકાલ તા. ૧૮મીની સાંજના પાંચ વાગ્યા સુધીમાં તેમના એપને કાલીપીલીના રેટ સ્ટ્રકચર પ્રમાણે અપડેટ કરવા જણાવાયું હતું. ગત ૧૬મી તારીખે એગ્રીગેટર્સને મળેલા મુંબઇ મેટ્રોપોલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના પત્ર મુજબ કાળીપીળી નોનએસી ટેક્સીનું ૨૦.૬૬ રૃપિયા ભાડું અને એસી ટેક્સીનું ૨૨.૭૨ રૃપિયા ભાડું છે. ઉપરોક્ત ત્રણેય કંપનીઓએ તેમના માટે નવા દરો નક્કી થાય ત્યાં સુધી આ માળખા પ્રમાણે ભાડું લેવાનું રહેશે.
એમએમઆરટીએના સેક્રેટરી ભરત કલસ્કરના જણાવ્યા પ્રમાણે બેઝ ભાડામાં ઓછી ડિમાન્ડના સમયમાં પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે અને વધુ ડિમાન્ડ હોય ત્યારે ભાડા દોઢ ગણા પણ થઇ શકે છે. આ બાબતે પરિવહન સત્તાવાળાઓ અને એગ્રીગેટર્સની બેઠક યોજાઇ હતી. એગ્રીગેટર્સ તેના માટે સંમત થયા હતા. બેઠકમાં એપ આધારિત ટેક્સી ડ્રાઇવરોના યુનિયન નેતાઓ પણ હાજર હતા. પત્ર અનુસાર ડ્રાઇવરોને ભાડાનો ૮૦ ટકા હિસ્સો જ મળશે.
સૂત્રોના જણાવ્યાનુસાર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ આ નિર્ણય એપ આધારિત કેબના ડ્રાઇવરોના યુનિયનના દબાણમાં આવીને લીધો છે.તેેમણે ભાડામાં વધારાની માગણી સરકાર સામે મૂકી હતી અને જો તેને સ્વીકારવામાં ન આવે તો વિરોધની ચીમકી આપી હતી. નવી સિસ્ટમ હેઠળ પ્રવાસીઓએ પ્રતિ કિ.મી પાંચ રૃપિયા વધારાના આપવા પડશે. અત્યારે નાની કેબ માટે એપ આધારિત એગ્રીગેટર્સ બેઝ ભાડું ૧૫થી ૧૬ રૃપિયા લે છે.








